પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧

મૃત્યુના પડછાયા


એક વર્ષ મોટા અને એમનાથી આપ એક વર્ષ મોટા છો, હજુ અમારે બન્નેને તો બહુ જ કામ કરવું છે, અને આપ કાં મોક્ષની આટલી જલદી તૈયારી કરવા લાગ્યા?'

'પંડિતજી!' સ્વામીજીએ કહ્યું 'આ કલિયુગમાં હું મોક્ષની જરીકે ઇચ્છા નથી રાખતો. હું તો કેવળ એટલું જ માગું છું કે આ ફાટેલો અંચળો બદલીને નવું શરીર ધારણ કરૂં. હવે તો આ શરીરથી સેવા નહિ થઈ શકે. ઇચ્છા તો એટલી જ છે કે ફરીવાર આ જ ભારતવર્ષમાં જન્મ લઈને દેશની સેવા કરૂં.'

* * *

મૃત્યુને દિવસે જ, એક જ પહોરની આવરદા બાકી રહી હતી ત્યારે રાજા રામપાલસિંહજીનો તાર, તબિયત કેમ છે તેની પૃચ્છા કરતો આવી પહોંચ્યો. જવાબમાં સ્વામીજીએ લખાવ્યું કે 'હવે તો નવો અવતાર ધરીને શુદ્ધિનું બાકીનું કામ ખલ્લાસ કરવાની જ અભિલાષા છે.'

એ રીતે અવસાનદેવનાં પગલાંનાં ધબકારા એ ભવિષ્યદર્શીના કાનમાં સંભળાતા હતા. સહુ અજાયબ થતા હતા કે જીવનભરના મહાન આશાવાદીને અંતરે આજે આ નિરાશાનો ધ્વનિ ક્યાંથી ? પરંતુ એ નિરાશા નહોતી, કાળના પડદા વીંધતી દૃષ્ટિ હતી.