પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩

ધર્મવીરને છેલ્લી વંદના



'ધર્મસિંહ, શું છે ?'

'મહારાજ, એક મુસલમીન મુલાકાત કરવા આવ્યા છે.'

'આવવા દેને ભાઈ ! રોકે છે શા સારૂ ?'

ધર્મસિંહ ઘણો અચકાયો. એ માણસના ચહેરા પર એણે કોઈ આફતના ભાવ ઉકેલ્યા. પણ સ્વામીજીના અતિથિધર્મ સામે એ નિરૂપાય બન્યો. ખૂની અંદર આવ્યો. સૌમ્ય વાણીમાં સ્વામીજીએ એને કહ્યું કે 'ભાઈ ! આજ તો હું કમજોર છું. તમારી દુવાથી મને આરામ થઈ જશે. પછી બેલાશક તમે ધાર્મિક ચર્ચા કરવા પાછા આવજો.'

અબદુલ ર.–મને પ્યાસ લાગી છે, પાણી પિલાવો.

ધર્મસિંહ એને પાણીની કોટડીમાં લઈ ગયો. પાણી પાઈને એ ગ્લાસ મૂકવા ગયો. એકલા પડેલા અબ્દુલે પોતાના ખિસ્સામાંથી રીવોલ્વર ખેંચી. બિછાનામાં સૂતેલા વૃધ્ધ સ્વામીજી ઉપર એણે ગોળી છોડી : એક બાર ! બીજો બાર ! અને સ્વામીજીની છાતી વીંધીને રૂધિર ધસવા લાગ્યું.

ધર્મસિંહ દોડ્યો. ખૂનીની કમર પર બાઝી પડયો. પણ ખૂનીના હાથ છૂટા હતા. હજુ એ અતૃપ્ત હતો. એણે ત્રીજી ગેાળી છોડી. પછી ચેાથી ! સ્વામીજીની જીવન-લીલા સંકેલાઈ ગઈ. શ્રધ્ધાનંદજીના પ્રશાન્ત દેહ પર જાણે કે જગજ્જનનિનો કરૂણાળુ હાથ ફરવા લાગ્યો. એ મૃત્યુંજયના મોંમાંથી અરેરાટી કે વેદનાનો એક ઊચ્ચાર પણ નહોતો નીકળ્યો.