પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૫૦'જુઓ નામદાર !' વકીલ ન્યાયમૂર્તિ તરફ વળ્યો: 'આ બિપિનચંદ્ર પાલ જેવા હરામખોરની સાથે છબીમાં બેસનાર ફરિયાદી લાજપતરાય પણ હરામખોર જ હોવો જોઈએ ને !'

'અને બીજી વાત નામદાર !' વકીલે ચલાવ્યું, 'આ લાજપતરાયને મી. મોર્લે જેવા એક ઉદાર અને તત્ત્વજ્ઞાની હિન્દી સચીવે હદપાર કર્યો હતો. એથી સ્પષ્ટ થાય છે કે એ બડો હરામખોર હોવો જોઈએ !'

નિરાશામાં ડૂબતા ન્યાયમૂર્તિના હાથમાં જાણે કે નૌકા આવી પડી. ન્યાયમૂર્તિ જ્યુરી તરફ વળ્યા : પોતાનો અભિપ્રાય પ્રકટ કર્યો : સાહેબો ! સાચી વાત કે આ શખ્સ ઉપર આપણા વર્તમાનપત્ર 'ડેલી એક્સપ્રેસે કરેલી બદનક્ષીની એક પણ સાબિતી જડતી નથી છતાં ફરિયાદીની બદનક્ષી થયાની વાત હું સ્વીકારૂં છું. પરંતુ આ શખ્સને વળી આબરૂ શી હોઈ શકે ? આપણા મી. મોર્લે જેવા શાંતિપ્રેમી, અને ફિલસુફ હિન્દી સચીવે જેને હદપાર કરેલો હતો એવા હરામખોરની આબરૂને બહુ બહુ તો ધક્કો લાગીને કેટલો લાગે ? એની આબરૂહાનિ બદલ હું પ૦ પાઉન્ડ ચૂકવવાના મતનો છું.’

ગઈ કાલે જ જેની મૃત્યુ-નેાંધ લેતાં હિન્દી ધારાસભાના અધ્યક્ષ શ્રી. પટેલે જેના અવસાનને 'જગતભરની ખોટ' કહી, તે મહાપુરુષના સ્વમાનનાં મૂલ્ય ઈગ્લાંડના ન્યાયમંદિરમાં રૂપિયા સાડી સાતસો જ હતાં, કારણ એક જ: એની માતા – એની માતૃભૂમિ પરાધીન છે.