પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ


આવેલો છે, આજ મને મારા મોટા દાદા સુખાનંદ સાંભરે છે. સાચેસાચ એ આનંદની મૂર્તિ હતા.. પિતાજી પાસેથી સાંભળ્યું છે કે મોટા દાદાનું મુખ નિરંતર પ્રસન્નતાની કાન્તિથી ઝલકતું હતું. ક્રોધ તો એ કદી કોઈ પર કરતા નહિ. કોઈનાં દુરાચરણ દેખી દુભાતા ત્યારે પણ એના મોંમાંથી ફકત આટલા જ શબ્દો નીકળતા કે “અરે ભાઈ ! તું ડાહ્યો થઈને ધર્મ પરથી ગબડી પડ્યો !” એની મોટામાં મોટી ગાળ કઈ ? 'ડાહ્યો !'

દાદાજીનું નામ લાલા ગુલાબરાય. એ પણ હરિભક્તિમાં તલ્લીન રહેતા. રોજ પ્રભાતે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠે, સ્નાન કરે, સુખમણિ તથા ભગવતગીતાના શ્લોકો લલકારે, ને પછી કબીર ઇત્યાદિ ભક્તનાં ભજનો ગાયા કરે, ભક્તિની એ મસ્તીમાં પણ ક્ષત્રિવટની કેવી ખુમારી ભરી હતી તેનો દાખલો દઉં : ક્પૂર્થલામાં પોતાના રાણીશ્રી હીરાદેવીના એજન્ટ હતા. મહારાજા નૈનિહાલસિંહ ગાદીનશીન થયા ત્યારે રાણીજી પોતાના બન્ને કુંવરને લઈ જલંધર આવી વસ્યાં, એટલે દાદાજી પણ મહારાજા નૈનિહાલસિંહની લાલચોની પરવા ન કરતાં પોતાનાં અન્નદાતા રાણીજીની જ સાથે ચાલ્યા આવ્યા. રાણીજીના પરિવારની સાથે જ પોતે રહેતા હતા. બન્યું એવું કે રોજ પ્રાતઃકાળે ચાર વાગે દાદાજીના પંચમ સૂરમાં ગાજતા ભજન-લલકારથી રાણીજીના કુંવર વિક્રમસિંહની નિદ્રા ઊડી જતી. રોષે ભરાઇને એક દિવસ કુંવરે દાદાજીને કહ્યું: