પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫

દીકરો



પોતાના જીવનના અંતિમ દિવસોમાં, પોતાની અડસઠ વર્ષની ઉમ્મરે જ્યારે માતાની અને પોતાની વચ્ચે કાળનો મહાનદ ચાલીસ વર્ષોનું અંતર પાડીને વહેતો હતો, ત્યારે પણ લાજપતરાય મૃત્યુના એ મહોદધિને સામે પાર ચાલી ગયેલી માતાને નહોતા વિસારી શક્યા. કેમકે હિન્દની રીબાતી સ્ત્રીજાતિરૂપે માતાને એ જીવન્ત માનતા હતા. પોતે મિત્રોને કહેતા કે 'હવે હું ઝાઝું જીવવાનો નથી. એટલે મારી છેલ્લી વારની સર્વોપરિ ઝંખના મારી માને નામે એક સ્ત્રીએાની ઇસ્પિતાલ બાંધવાની છે.' એમ કહીને એ બાબતની આખી રૂપરેખા પોતે તૈયાર કરેલી તે મિત્રોને બતાવતા હતા. છેલ્લી ઘડીએ પોતાનું વસિયતનામું કરીને પોતાની બાકીની બધી પૂંજી આ 'સ્ત્રી બચ્ચાંની ક્ષયનિવારણ ઇસ્પિતાલ' માટે ટ્રસ્ટ કરીને આપી હતી, અને કાયમી ભંડોળ સ્થાપવા માટે પાંચ લાખનો સવાલ દેશ સમક્ષ નાખી, પોતે જ ભટકીભટકી મોટી રકમ ભીખી પણ આવેલ હતા.

પિતાજી પ્રત્યેના પ્રેમે પણ પેલી 'કાળા કદરૂપા બાલક માટેની ગ્લાનિનો ઠીક ખંગ વાળી દીધો ! ત્રેવીસ વર્ષની વયે તો લાજપતે બાપુને નોકરીમાંથી નિવૃત્તિ લેવરાવી, પોતાના નાના ભાઈઓના અભ્યાસનો બધો બેાજ ઉપાડી લીધો, રાધાકિશનજી પોતે જ પાછળથી કહેતા કે 'મેં પેન્શન લીધું ત્યારે લોકો મને રોકતા હતા, ડરાવતા હતા કે લાજપત ખર્ચ નહિ આપે તો ? પણ હું તો લાજપતને એાળખું ખરોને ! એ મારો દાનો દીકરો મને છેતરે જ નહિ.'