પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧

શિક્ષણમાં ક્રાંતિકાર


અથવા બલપ્રાપ્તિના મસ્તીભર્યા પ્રયત્નોને એના જીવનમાં સ્થાન મળે તે પહેલાં તે લગ્ન અને ગુજરાનની બન્ને ધુંસરીઓ એના કાંધ પર પડી જાય છે. જોતજોતામાં એ પાણીદાર જુવાનની વકિલાત માસિક અઢીસો રૂપીઆની રકમ ઉપર પહોંચી જાય છે, અને તેની સાથેસાથ જાહેર જીવનનાં દ્વાર ઉઘડી જતાં એની કમાઇની મોટી બચત પરમાર્થની ઝોળીમાં પડવા લાગે છે.

પંજાબમાં સ્વામી દયાનંદનો શંખ ફુંકાયો, સમાજજીવન તેમ જ ધર્મજીવનના સડા ઉપર આર્યસમાજની નસ્તર–છૂરી ફરવા લાગી, અને સરકારી નિશાળોમાં કારકૂનો પેદા કરવાનું સાંચાકામ કરનારી કેળવણીના સત્યાનાશ તરફ દયાનંદના જુવાન શિષ્યોનું ધ્યાન ખેંચાયું. એકવીસ વરસની સુકુમાર ઉમ્મરે પોતાના બીજા બે સાથીઓના સંગમાં લાજપતરાય પૈસાની કશી સગવડ સિવાય, પ્રજાની સહાનુભૂતિ વગર અને રાજસત્તાની સંદેહભરી નજર સામે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજનાં તોરણ બાંધે છે પોતે લખે છે કે 'આ સંસ્થાની એક એક ઈંટની પાછળ ઇતિહાસ છે, એ કદાચ આ દુનિયાને અજવાળે કદી જ નહિ આવે. આ વાતો લગભગ વિસરાઈ ગઈ છે, અને જે થોડી વાતો હજુ પ્રચલિત છે તે બધી પણ એના સૃષ્ટાઓનાં શબોની સાથે જ બળીને ભસ્મ બની જશે.'

પ્રત્યેક ઈંટ પછવાડેની એ ગુપ્ત કથાઓ તો બેશક