પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫

દીનબંધુ


મોકલી દીધા. ફિરોઝપુરના સુપ્રસિધ્ધ શ્રીમદ્દદયાનંદ અનાથઆશ્રમની કાર્યવાહી કરવાથી પોતાને અચ્છી તાલીમ મળી ગઈ હતી તેથી પોતે હજારો અનાથ હિન્દુઓને બચાવ્યા. એ દેખીને પાદરીઓની આંખો ફાટી ગઈ. ૧૯૦૧ માં 'દુષ્કાળ કમીશન' બેઠું. સરકારે લાજપતરાયને જુબાની આપવા તેડાવ્યા. જુબાનીમાં એણે ઉઘાડેછોગ જાહેર કર્યું કે ખ્રિસ્તીઓ અમારાં હિન્દી બચ્ચાંને આવાં સંકટોનો ગેરલાભ લઇ ઉઠાવી જાય છે તેની સામે હું ઈલાજ માગું છું : હું માગું છું કે પ્રથમ પહેલાં અનાથ બાળકોને પાછાં શોધી કરીને એનાં પોતપોતાનાં માબાપને હવાલે કરવાં; માબાપો ના પાડે તો આર્યસમાજી આશ્રમોના હાથમાં સુપરદ કરવાં; અને એ ન રાખે તો જ ખ્રિસ્તી મીશનરીઓને ભળાવવાં. સરકારે આ માગણીનો સ્વીકાર કર્યો. ખ્રિસ્તીઓનો ભક્ષ ગયો. હજારો બાળકોને હિન્દુત્વની ગોદમાં પાછાં તેડી લાવનાર લાજપત ઉપર આ મતલબી વિધર્મીઓની વક્રદૃષ્ટિ તે દિવસથી જ રમવા માંડી હતી.

ઈ. સ. ૧૯૦૫ માં કાંગડા જીલ્લો ધરતીકંપનો ભેાગ થઈ પડ્યો. એ પ્રચંડ ભૂકંપને લીધે હજારો મકાનો જમીંદોસ્ત થયાં, હજારો ગરીબો ઘરબાર વિનાનાં બન્યાં. તેઓની વહારે પણ લાજપતરાય જ ધસી આવ્યા. દ્રવ્ય ભેળું કરી, સ્વયંસેવકોનાં દળ ઊભાં કરી, અનાથઆશ્રમ ઉઘાડી એ પીડિતોના ઉગાર માટે મથ્યા.