પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૬૮


ઘણાં વર્ષોથી હું અસ્પૃશ્યો માટે મારૂં કર્તવ્ય કરતો આવું છું. હું સરકાર પક્ષના દરેક સભાસદને પડકાર કરીને પૂછું છું કે બોલો, તમે છેલ્લાં પચીસ વર્ષો દરમ્યાન અસ્પૃશ્યોદ્ધાર માટે શું કર્યું છે ? અરે અત્યારે પણ – આ નવા વહીવટમાં પણ અસ્પૃશ્યોની કેળવણી અને આબાદાની ધપાવવાના અમારા નાના શા પ્રયાસો પરત્વે પણ સરકાર સામી પડે છે. અમે જ્યારે જ્યારે પંજાબમાં આ લોકો માટે કૂવા ઉઘાડવાનું કહીએ છીએ, ત્યારે એ ના પાડે છે. અમે એના બાળકો માટે ખાસ શિષ્યવૃત્તિઓ કાઢવા સૂચવીએ છીએ, તો એ પ્રસ્તાવ પર પણ નનૈયો ભણે છે. જ્યારે એક સભાસદે અસ્પૃશ્યોના શિક્ષણ માટે રૂા. નવ લાખની મંજૂરીનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે પણ સરકારે મક્કમ 'ના' સંભળાવી. અમે માગ્યું કે લશ્કરમાં અને ત્યાં નહિ તો છેવટ પોલીસ ખાતામાં તેઓની ભરતી કરો, તો સરકારનો જવાબ છે કે 'ના; અત્યારના સંજોગોમાં નહિ; કેમકે બીજા હિન્દુઓ વિરોધ કરશે.' તો પછી આ અસ્પૃશ્યો માટે ઉભરાતું હેત શાનું ? એ છે દંભી બરાડો. હું તો આંહીં બેઠેલ અંત્યજ પ્રતિનિધિ ખુદ મી. રાજાને જ આહ્‌વાન આપીને પૂછું છું કે બતાવો, સરકારે છેલ્લાં ૨૫ વર્ષોમાં તમારે માટે શું ઉકાળ્યું ? એ તો કેવળ આંખમાં ધૂળ નાખવાની વાત છે. બાકી તો શુદ્ધ વિશ્વબંધુત્વની દૃષ્ટિએ અને સદંતર નિઃસ્વાર્થભાવે એ લોકોની ઝુમ્બેશ પરત્વે પહેલ કરનારા અમે જ છીએ. અમે એ લોકોને અમારાં જ સગાં ગણ્યાં અને અમારી નમ્ર રીતિએ