પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯

વીરોના પણ વીર


હતું. લાહોરને જીવનની છેલ્લી સલામ કરતો હોઉં એવું મને તે દિવસે થયું જ નહોતું.'

*

આર્યાવર્તનો કિનારો પણ અદૃશ્ય થયો, કલકત્તાથી ઉપડેલી નૌકાએ અગાધ પાણીમાં પંથ કાપવા માંડ્યો અને કેદી ઉપર એના ગોરા ચોકીદારોની સતાવણી શરૂ થઈ ગઈ સ્વજનોના વિયોગની અને જન્મભૂમિના અદર્શનની ઊંડી વેદનામાં પહેરગીર પોલીસ કમીશનરે આપેલા અપમાનભર્યા વર્તાવનો વધારો થતો ગયો. પરંતુ મૂળ પ્રકૃતિ તો ઘડીઘડીમાં છેડાઈ જવાની હોવા છતાં લાજપતરાયનું વીરત્વ તે દિવસે પોતાના સંગી સમુદ્ર જેવું જ અક્ષુબ્ધ બની ગયું. પછી ઇરાવદી નદીના આરા વચ્ચે નૌકા દાખલ થતાં તો કેદીએ બ્રહ્મદેશી પુરૂષો, એારતો અને બાળકોના ચહેરા દીઠા. અંતરમાં માધુર્ય ઉભરાવા લાગ્યું. એ કહી ગયા છે કે–

'હું નથી સમજતો કે તે ક્ષણે જ મને શા કારણે બ્રહ્મદેશની ભૂમિ અને પ્રજા પ્રત્યે માયા ઉપજી. કદાચ મારે એ લોકોની દિલસોજી પર જીવવું હતું તેથી; કદાચ મને એક એશિયાવાસી તરીકે આ પ્રથમપહેલો એશિયાઈ મુલક જોતાં આખા એશિયા ખંડની પ્રજાની પરાધીનતાનું સ્નેહભીનું સ્મરણ થયું તેથી અથવા બ્રહ્મદેશે પોતાનો ધર્મ આર્યાવર્ત પાસેથી મેળવ્યો હોઈને મારો તેના પ્રતિ ભાતૃભાવ જાગ્યો તેથી. ગમે તેમ હો, મને ન લાગ્યું કે હું અજાણ્યા દેશમાં આવી પડ્યો છું.'