પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧

વીરોનો પણ વીર


આ મુસલમાન સિપાહીઓને મારા વિધર્મી ગણીને મારા પર ચોકી કરવા મોકલનાર સત્તાધીશે કેવી થાપ ખાધી !.... …...માંડલેમાં એ બધાથી જુદા પડતાં મને ઘણી વેદના થઈ.'

'અરે ! આ મારા પગમાં કેાણ પડ્યું !'

'મેં જોયું તો ગોખલેજીના હિન્દ સેવકસમાજવાળા ભાઈ દેવધર : સ્ટેશન છોડું તે પહેલાં તો એ મારા પગમાં બાઝી પડ્યા છે; ઓચીંતો, મારા કાળાપાણીના સ્ટેશન પર, એ મિત્રના હાથનો મીઠો સ્પર્શ લાગતાં હું રડી ઉઠત. માંડ માંડ મેં મારા હૃદયને રૂંધી રાખ્યું. પલવાર તો મને ભય લાગ્યો કે ખુદ ગિરફતારી અને હદપારીથી જે સંયમ મેં નથી ખોયો તે આ કદી ન ધારેલા મિત્રના ઓચીંતા સ્નેહલ સ્પર્શથી હું ગુમાવી બેસીશ. પરંતુ દેવધરભાઈ મારા પગને હજુ અડક્યો ત્યાં તો પોલીસ ઈન્સપેકટર દોડ્યો આવ્યો : એને લાગ્યું કે દેવધર મને છૂટો કરવા મથે છે ! એણે મારૂં કાંડું ઝાલ્યું અને એક ગોરા સાર્જન્ટે દેવધરને ઝટકો મારી મારા પગેથી જુદો પાડ્યો. એ મિત્રના આલિંગન પ્રત્યે મારાથી કેવળ મૂંગા જ નમન દઈ શકાયા. કેમકે મારા હાથ ઈન્સપેકટરના હાથમાં ઝકડાએલા હતા.'

*

'લાજપતરાય ! આ હજામને હજામતના પૈસા કેમ ચૂકવતો નથી ?' માંડલેની જે કિલ્લામાં લાલાજી કેદ હતા તે કિલ્લાના ગોરા દરોગાએ બૂમ મારી.