પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૮૪


અધિકારીને કાળ ચડતો ગયો. એણે રસોયા તરીકે એક નાનો મદ્રાસી છોકરો ગોઠવ્યો. પરંતુ ન આપ્યાં પૂરાં વાસણો, કે ન આપે સૂકાં લાકડાં. આખરે કેદીનું સીધું પાછું ગોરા દરોગાને રસોડે જ પડવા લાગ્યું, અને લાલાજીને શું ખવરાવવું તે નક્કી કરવાની કુલમુખત્યારી સાહેબના બબરચીને જ સુપરદ થઈ. લાલાજી કંઈ ફરતાં ફરતાં શાકદાળ માગે તો સાહેબ કહે કે 'કહો બબરચીને.' બબરચી ધૂળરાખ જેવી સામગ્રી લાવીને એનું મોટું બીલ કરે, તેને મૂંગે મોંયે સાહેબની મંજૂરી મળે. કેદી તરફથી વારંવાર હલકા ખોરાકની ફરિયાદ થતાં અધિકારી ખીજાઈને કહે કે 'તારૂં ખરચ તો મારા કરતાં પણ વધુ આવે છે ! સરકારને તારા જેવા નાચીજ કેદીના વૈભવ શી રીતે પોસાય ?'

લાલાજી શાંતિથી સમજાવે કે 'અરે ભાઈ ! બીલ શી રીતે વધે ? મારો આહાર તો અત્યંત ઓછો છે.'

ખરી વાત એ હતી કે બબરચી લાલાજીના બાકી રહેલા ખોરાકમાંથી એક સાર્જન્ટને જમાડી રોજનો એક એક રૂપિયો રળતો હતો !

એક દિવસ લાલાજીએ પોતાની થાળી જમ્યા વિના જ પાછી મોકલી, એ ખબર પડતાં જ સાહેબનો પિત્તો ફાટી ગયો; રાતોચોળ બનીને એ ધસી આવ્યો, ધમકી દેવાનું શરૂ કર્યું : 'તું તારા મનમાં શું જાણે છે! તેં શા માટે થાળી પાછી મોકલી ?'