પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

1૯૦


અને કેદીને દેખતાંની વાર જ સલામ ભરતાં. બાળકના પ્રેમી તરીકે પંકાયેલા, ખુદ પોતે પણ બાળક શા હૃદયના લાલાજી સહેજે સામા સલામ કરતા અને કોઈ કોઈ વાર એ બાળકોને થાબડીને પૈસા આપતા. આ બાલપ્રેમમાં પણ એક ચોકીદારને કોઈ બૂરી ગંધ આવી. એણે કેદીને પૂછ્યું 'તારે આ બચ્ચાં સાથે કાંઈ સગપણ છે ?'

'ના રે ભાઈ, અગાઉ કદી મેં જોયાં જ નથી.'

'તો પછી તારા તરફ એ આટલાં માન અને મમતા શી રીતે બનાવે છે ?'

એ સવાલના જવાબમાં કેદી એક તિરસ્કારભર્યું સ્મિત જ કરતા. શો જવાબ દેવો તેની પોતાને ગમ નહોતી પડતી.

એક દિવસ પ્રભાતના ચાર વાગે કેદીએ પથારીમાં બેઠા બેઠા ધ્યાન ધરેલું છે. તેવામાં એક પંજાબી શીખે બુલંદ નાદે 'જપજી સાહેબ' નામના ગુરૂ નાનક કૃત ધર્મગ્રંથમાંથી શીખ-પ્રાર્થના ગાવાનું શરૂ કર્યું.

'એય ! ચુપ કરો !' પહેરા પરના સાર્જન્ટે હાકલ દીધી.

એણે શીખને પ્રાર્થના ગાતો અટકાવી દીધો. કારણ કે પંજાબી ભાષામાં એ શીખ રખે કેદીને કાંઈક છુપી વાતો કહી દેતો હોય એવો એને સંદેહ આવ્યો. વિશેષ ચોકસી કરવા માટે સાર્જન્ટ મેડી ઉપર આવીને જોઈ ગયો કે કેદી