પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૯૪



પહેલા પ્રશ્નનો જવાબ જો 'હા જી !' હોય, અને બીજા પ્રશ્નનો જવાબ જો 'ના જી !' હોય, તો એ સંતોષ પામીને ગાડી હાંકી જતો; પણ જો એ અનુકૂલ પ્રત્યુત્તરોમાં કોઈ દિવસ પણ ફેરફાર પડે, તો ત્યાં ને ત્યાં રોષ અને અપમાનનું નાટક ભજવાતું. એવાં થોડાંક નાટક નીચે મુજબ ભજવાયાં હતાં:

કેદીએ વિનંતિ કરી કે 'મને બર્મી ભાષા શીખવાનું દિલ છે. મારે ખરચે મને પુસ્તકો લઈ આપો.'

જવાબ મળ્યો કે 'ઉપલી સત્તા તરફથી તને બર્મી ભાષા શીખવા દેવાની મનાઈ થઈ છે.'

'કારણ ?'

'કારણ ટુંકું ને ટચ. general political ground: એકંદર રાજદ્વારી કારણસર ! '

એક વાર લાલાજીએ એક મિત્રને કાગળ લખ્યો કે 'હું બિમાર છું.'

કાગળ-પત્રનો વ્યવહાર દરેગાની મારફત જ ચાલી શકતો. આ કાગળ વાંચતાં જ ધુંધવાતો ગોરો આવી પહેાંચ્યો. કેદીના દરજ્જાને ભૂલી જઈને જૂઠાણાનો આક્ષેપ મૂકી બોલ્યો : 'હાં, હું જાણું છું કે તું બિમાર હોવાનો ઢોંગ કરે છે. એમ કરીને તારે તારા છૂટકારા માટે તારા મિત્રે પાસે ચળવળ ઉપડાવવી છે ! તું જૂઠો છે !'