પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭

ધૈર્યનો સાગર


કોના પત્રો એ સદંતર રોકી રાખે છે તે પણ જણાવતો એ બંધ પડ્યો હતો. લાલાજી એક દાખલો ટાંકે છે:

'૩ જી નવેમ્બરે એણે મને બૂમ પાડી નીચે બોલાવ્યો; પૂછ્યું કે તારે કોઈ ધનપતરાય નામનો ભાઈ છે ? અને એ તને મળવા માગે છે?'

'મેં કહ્યું 'હા જી, જુઓને, મારા પિતાનો કાગળ આવેલો તેમાં લખેલું કે ધનપતરાયે મને મળવાની અરજી કરી હતી અને સરકારે તે નામંજુર કરી હતી.'

'એ ચાલ્યો ગયો. હું એના પ્રશ્ન પર વિચાર ચલાવવા લાગ્યો. મેં તુરત એને વિનયપૂર્વક ચિઠ્ઠી લખી કે 'કદાચ આપે મારા ભાઈની અરજી વિષે ખબર દેનારો મારો કોઇ કાગળ રોક્યો હોય, તો અગાઉ આપ કહેતા તે રીતે મને માત્ર લખનારનું નામ જણાવશો ? હું આપનો ઘણો જ આભારી બનીશ.'

'આ ચિઠ્ઠીમાં મેં કશું જ અપમાનકારક લખાણ કર્યું નહોતું. બહુ બહુ તો એ માગેલી હકિકત કહેવાની ના પાડશે એવી ધારણા મેં રાખેલી. પરંતુ વાચક ! તને કલ્પના આવી શકે છે, કે આ માણસે, મારા કરતાં ઉમ્મરે નાના અને શિક્ષણે તેમજ સામાજીક દરજજે મારાથી કોઈ રીતે ચડિયાતા નહિ એવા આ ગોરાએ મને પ્રત્યુત્તરમાં કેવો ધૂતકારી કાઢ્યો ! વળતા પ્રભાતે એ આવ્યો. હું ઉપરના રવેશમાં ઊભો હતો. નીચે સંત્રીઓ એને સલામી દેતા હતા.