પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭

અમેરિકામાં


સૂઈ જા, સવારમાં તારે ઘણું કામ કરવાનું હશે. તને ક્યાં સુધી બેસાડી રાખું ? હું વાંચતો વાંચતો કંઈક ઊંઘ લેવા પ્રયત્ન કરીશ, જા ભાઈ!'

લાલાજી એકલા પડે, કલાક બે કલાક પથારીમાં પડ્યા રહે, પછી ઊભા થઈને વાંચવા બેસી જાય. આમ ચુપચાપ રીબાતા અને મહેનત કરીને તૂટી મરતા. એક મિનીટ પણ એણે નકામી નહોતી જવા દીધી.

અમેરિકામાં રહેનારા ઘણાખરા હિન્દીઓ અને વિદ્યાર્થીઓ મુફલિસ હતા અને હિન્દને કબજામાં રાખવા માગતા પક્ષો તરફથી હિન્દ વિરૂદ્ધનું પ્રચારકાર્ય ત્યાં ચાલુ જ હતું. લાલાજીનો લેખ છાપનાર પણ કોઈ નહોતું. એનાં વ્યાખ્યાનો ગોઠવનાર પણ કોઇ મંડળ તૈયાર નહોતું, પૈસા ક્યાંથી રળવા ? શી રીતે પ્રચારકામ પોષવું ? મૂંઝવણનો પાર નહોતો. તાબડતોબ લાલાજીએ “તરૂણ હિન્દ” નામનું પુસ્તક લખી કાઢ્યું, એના અભિપ્રાયો અખબારોમાં છપાયા. આઠ મહિનામાં એની પ્રથમાવૃત્તિ ઉપડી ગઇ. ધીરે ધીરે અમેરિકાની પ્રજાએ એને પિછાન્યા. એની કલમને અખબારોમાં જગ્યા મળવા લાગી. એનાં ભાષણો ગોઠવાવા લાગ્યાં. ક્લબો, શાળાઓ અને યુનિવર્સીટીઓ એને વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન દેવા નોતરતી થઈ, અને 'તરૂણ હિન્દ'નું પુસ્તક તો તાબડતોબ ઈંગ્લાંડમાં જપ્ત થઈ ગયું તે છતાં એક પ્રત એના કિનારા ઉપર પહોંચી ગઈ. લંડનની 'હોમ રૂલ લીગ' શાખાએ એ