પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૧૨



ત્યાં તો પોલીસના હાકેમની સાથે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ મેજર ફેરાર આવી પહોંચ્યા. મહાસભાના મકાન ફરતો ઘેરો ઘાલ્યો અને મેજીસ્ટ્રેટે આજ્ઞા દીધી કે 'આ જાહેર સભા છે. મારો આદેશ છે કે આ સભાને વિખેરી નાખો.'

પ્રમુખની ખુરસી પરથી લાલાજીએ જવાબ દીધો:

'હું આ સભાના પ્રમુખ તરીકે કહું છું કે આ સભા જાહેર નથી. અને તેથી હું એને વિખેરવાની ના પાડું છું.'

'આ આદમી કોણ છે ?' મેજીસ્ટ્રેટે કોઈને ધીરે અવાજે પૂછ્યું.

'હું લાજપતરાય છું-હું આ સભાનો પ્રમુખ છું. હું જાહેર કરૂં છું કે આ સભા ખાનગી છે. છતાં તમારે મને ગિરફતાર કરવો હોય તો આ રહ્યો હું.'

એટલું કહીને લાલાજી પોતાના ચાલીસ સાથીઓ તરફ ફર્યા ને બોલ્યા 'તમારામાંથી જેને જવું હોય તે સુખેથી ચાલ્યા જજો. હું એકલો આ હુકમનો અનાદર કરીને સભા ચલાવવા માગુ છું.' ચાલીસમાંથી એક પણ સભ્ય ન જ ચસક્યો. એ મૂંગો પ્રત્યુત્તર પોલીસને માટે પૂરતો જ હતો. હાજર રહેલામાંથી પ્રમુખને કેદ પકડી લીધા, રાજદ્રોહી સભાનો કાયદો લાગુ પાડી લાલાજીને છ માસની સજા કરી; બીજી કલમ ૧૪પમી લાગુ પાડી એક વર્ષની સખત મજૂરી સાથેની કેદ દીધી. એ સમયે એ બુજરગ વીરે પોતાના દેશવાસીઓ પ્રતિ આવો સંદેશો મોકલાવ્યો :