પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩

અસહકારને ઊંબરે



'હું તો અમેરિકાથી નીકળતી વેળા જ વિચારતો હતો કે જેલની બહાર હું થોડોક જ વખત રહીશ. હું તો મારી ગિરફતારી પર ખુશ છું, કેમકે મારૂં ધ્યેય પવિત્ર છે. મેં જે કાંઈ કર્યું છે તે આત્મા તેમ જ પરમાત્માની ઈચ્છાને અનુકૂળ જ કર્યું છે. મારો માર્ગ નીતિનો જ છે એથી મને વિશ્વાસ છે કે આપણા ઉદ્દેશની સિદ્ધિમાં જરૂર આપણને સફળતા મળશે. મને એ પણ આસ્થા છે કે હું જલદી જલદી પાછો આવી તમારી સેવા ઉઠાવીશ. અથવા કદાચ એમ ન બને તો પણ હું તમને ખાતરી આપું છું કે હું મારા માલિકની સન્મુખ ખડો થઈ જવા પણ આતુર છું. હું તો એક કમજોર માનવી છું. મારામાં મહાત્મા ગાંધીના જેવી પવિત્રતા નથી. ઘણી વાર હું મારા ગુસ્સાને રોકી શકતો નથી. હું એમ પણ નથી કહી શકતો કે મારા દિલમાં કોઈ વાંચ્છના કામ નથી કરી રહી. અલબત, હું આટલું કહી શકું છું કે મેં મારા સ્વદેશની અને મારી જાતિની સેવાને હમેશાં મારી સન્મુખ રાખેલ છે અને જે કાંઈ કર્યું છે તે એ જ ધૂનમાં કર્યું છે. હું જાણું છું કે કર્તવ્યપાલનમાં મેં ઘણી ઘણી ભૂલો કરી છે અને વારંવાર મારા ઘણા દેશવાસીઓ પર આકરા હુમલા કર્યા છે. હું એ સર્વની ક્ષમા માગું છું. તેઓ સહુ-અને ખાસ કરીને મારા વિનીત તથા આર્યસમાજી ભાઈઓ મને માફી આપે એજ મારી યાચના છે.

*