પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯

અભય


અને પ્રધાનમંડળ આ બે નગરોના મીલ-માલેકોની ભ્રકૂટીની કમાન પર ચાલે છે, અને અગાઉ કોઈ હિન્દીને મોંયેથી આ સુંવાળી ચામડીના હિન્દશોષક વેપારીઓએ અસભ્ય બોલ સાંભળ્યો નથી : સાંભળે તો સહન કરે કે કેમ તેનો સંદેહ છે. છતાં લાલાજી તો 'અભય'નો પ્યાલો પી કરીને મસ્ત હતા. પોતાનું શું થશે તેની એને ખેવના નહોતી. એ બોલ્યા : વેદનાના સ્વરો થકી ગુંજતા અવાજે એણે અંગ્રેજી વાણી પરનું પોતાનું પ્રભુત્વ વહેતું મૂક્યું :

'હું આંહીં બ્રીટીશ પ્રજા કે બ્રીટીશ સરકારની પાસે કશું ભીખવા માટે નથી આવ્યો. કેમકે હું માનું છું કે મારા દેશને ભીખવાથી અથવા પ્રાર્થના કરવાથી કશું નથી મળવાનું. હું તો અહીં આવ્યો છું તે ફક્ત તમને જણાવવા માટે, કે તમારૂં મહાબ્રીટન હિન્દ તરફ કેવી રીતે વર્તન ચલાવે છે અને હિન્દને કેવી રીતે લૂંટે છે !'

આ શબ્દો પૂરાં વીસ વર્ષ પૂર્વે બોલાયા હતા. શત્રુના ઘરના ઊંબરમાં ઊભીને ઉચ્ચારાયા હતા.

*

મહાત્મા ગાંધીજીની બોલબાલા હતી. 'બાપુ'નો પડ્યો બોલ દેશભરમાં ઝીલાતો. એ પુરુષની નરમાશની અંદર પણ એવું તેજ સંઘરાયું હતું, કે ભલભલાઓના હોઠ ફફડીને અણઊઘડ્યા રહેતા. એ પ્રતાપ કરડી મુખમુદ્રાનો, કતલ કરતી જીભનો કે સામાની પ્રતિષ્ઠા હણતી એકચક્રી કાર્યપદ્ધતિનો ફીરોઝશાહી પ્રતાપ નહોતો, પણ વિશુદ્ધ જીવનના