પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સત્યવીર શ્રદ્ધાનંદ


તો બહારવટિયા સંગ્રામસિંહનું દર્શન. બનાસ જીલ્લાના એક ગામડામાં સંગ્રામસિંહ ખેતી કરીને પેટગુજારો ચલાવતો હતો. એક દિવસ એ ઘેર નહોતો તે વખતે પોલીસે આવીને એના ઘરની જડતી લીધી અને એની પત્નીનું શિયળ લોપવાની કોશિશ કરી. ઘેર વળતાં રજપૂતને આ વાતની જાણ થઈ અને એ પોલીસના મોટા અધિકારીની પાસે રાવે દોડ્યો, ત્યાં એની સાથે પણ પોલીસે પિશાચી આચરણ બતાવ્યું. સંગ્રામસિંહનું રજપૂત-રક્ત ઊકળી ઊઠ્યું. ઘરમાં છુપાઈને પડેલી કાટેલી જૂની તરવાર ઉઠાવી, પહેલાં પ્રથમ પોતાની નિરપરાધી અર્ધાંગનાને સદાને માટે બદનામીમાંથી બચાવવા સારૂ ઠાર કરી ને પછી પોતે પહાડોમાં નીકળી ગયો. સાથે હાથીસિંહ નામનો રજપૂત જઈ ભળ્યો. હાથીસિંહની બંદૂકનું નિશાન કદી ખાલી જતું નહોતું. વીસ પચીસ બીજા સિપાહી પણ ભેગા કરી લીધા. એ રીતે સંગ્રામસિંહ એક નાની સેનાનો સરદાર બની ગયો.

જોતજોતામાં તે અંગ્રેજી ઇતિહાસમાં અને નવલકથાઓમાં દેશભક્ત બહારવટિયાની જેવી વાતો આવે છે તેવી વાતો સંગ્રામસિંહને નામે પણ લોકોમાં પ્રસરવા લાગી. સંગ્રામસિંહ તો અમીરોને લૂંટી લઈ ગરીબોને આપે છે : વનગવગડામાં વારાંગનાએાને બેાલાવી નાચગાનથી જંગલમાં મંગલ કરે છે : દાયરા ભરે છે : એવાં એનાં યશોગાન ગવાવા લાગ્યાં. જીલ્લે જીલ્લામાં એનાં રમખાણ બેાલવા લાગ્યાં.