પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫

ઔદાર્ય


હતા તો ગાડી ઉપર, પણ ગોખલેજીની જોડમાં નહિ; સામેની ગાદી પર પણ નહિ; એ તો કોચ-બોકસ પર બેસીને અતિથિદેવની ગાડીના ઘોડાને હાંકી રહ્યા હતા. ગોખલેજીની કશી વિનતિ કે આજીજી કામ નહોતી આવી. પોતાનાથી ઊલટી જ જાતના રાજનૈતિક આચાર-વિચારો ધરાવનાર બંધુનેતાની પણ આવી પરોણા ચાકરી કરીને લાલાજીએ બતાવી દીધું હતું કે મતસહિષ્ણુતા અને મનની મોટપ કેવી હોઈ શકે.

ફરી વાર ૧૯૧૩ માં ગોખલેજી સાથેનો ઉજ્જવલ પ્રસંગ બની ગયો. બન્નેની વચ્ચે રાજનૈતિક વિચારોનાં તો ગાડાં વહ્યાં જતાં હતાં પરંતુ એ વિચાર-ભેદથી ગુણદર્શન ઢંકાય તેવું અંતર લાલાજીનું નહોતું. હકીકત એમ હતી કે દક્ષિણ આફ્રિકામાં મહાત્માજીએ સત્યાગ્રહ માંડ્યો હતો. ગોખલેજી એમને માટે અાંહીં ફાળો ઊઘરાવી રહ્યા હતા એમણે કોઈ સ્નેહીની મારફત કહેવરાવ્યું કે 'લાલાજી મને પંજાબમાંથી રૂ. દસ હજાર કરી આપશો?'

લાલાજીએ એ મિત્ર દ્વારા જવાબ મોકલ્યોઃ 'આપ પોતે જો પધારો તો દસ નહિ પણ વીસ હજાર મેળવી આપું; અને નહિ તો એક ફૂટી બદામ પણ મેળવી આપવાનો નથી.'

મિત્ર પૂછે છે કે 'હેં લાલાજી, ગોખલેજીને તેડાવવા માટે આટલી બધી જેહમત કાં ઉઠાવી રહ્યા છો ?'