પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭

ઔદાર્ય


જ્યારે અમને આ રકમ પહોંચી ત્યારે લાલાજીનું અંતર લોકમાન્ય પ્રતિ આભારભીનું બન્યું અને એણે કહ્યું ' હાર્ડીકર, બચ્ચા, પરદેશી પ્રચારકાર્યની સાચી કિંમત સમજનાર આ એક જ પુરુષ હિંદમાં છે. એ એક વિરાટ પુરુષ છે. એ એક જ સાચો નેતા છે. તું જ્યારે હિન્દમાં જા, ત્યારે એની જોડે થોડા માસ રહીને તાલીમ લીધા પછી જ મારી સાથે જોડાજે હો !'

આખા પ્રસંગમાં લાલાજીની અન્ય દેશભક્તો પ્રતિની નિરભિમાન મન મોટપ જ બોલી રહી છે. ડો. હાર્ડીકર સ્પષ્ટ કરે છે કે 'આ આખી જ રકમને તુરત જ પ્રચારકાર્ય ખાતે જમા પાડવાનું મને કહી દેવામાં આવ્યું. લાલાજીએ પોતે પોતાના અંગત ઉપયોગ માટે એમાંથી એક પાઈ સુદ્ધાં ખરચી નથી.'

*

એવે પંજાબમાં લશ્કરી કાયદાએ લોકોનું લોહી વહેવરાવ્યું : જલિયનવાલા બાગમાં નિરપરાધી નરનારીઓનાં શબો વેરાયાં. આ સમાચાર અમેરિકામાં વંચાયા. લાલાજી નાના બાળકની માફક રડવા લાગ્યા. એણે હિન્દ જવાનો પરવાનો મેળવવા ઘણાં ઘણાં માથાં પટક્યાં. પણ પરવાનો ન જ અપાયો. પછી એણે પંજાબીઓને નીચે લખ્યો પ્રકટ સંદેશો મોકલ્યો :