પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૨૮



'વ્હાલા દોસ્તો,

'પંજાબના હવાલ પર આ ક્ષણે મારા હૃદયમાં શું શું થઈ રહ્યું છે તે હું તમને શી રીતે સમજાવું ? મારી જબાને તાળાં છે પણ મારૂ હૃદય છલછલી રહ્યું છે. અરે, જીવનના સર્વસ્વથી વધુ પ્યારી એ ભૂમિ પર ઉડીને આવવાની મને પાંખો હોત ! તમારી પાસે પહોંચવા માટે મેં બધું અજમાવી જોયું, પણ હું નિષ્ફળ પડ્યો છું. મારે શહીદ બનવાનો લોભ નહોતો, ફકત તમને ખપ લાગવાની ઝંખના હતી.

'પ્રથમ પહેલું તમારી પાસેથી આટલું માગુ છું કે, તમારે માટે સહનાર નેતાઓની પડખે – એ હરકિસન લાલ, દુનીચંદ, રામભજ દત્ત, સત્યપાલ, કીચ્લુ, (વગેરે વગેરે )ની પડખે, જાતિ, ધર્મ કે પક્ષના ભેદ રાખ્યા વિના તમે ઊભા રહેજો ! તમે જાણો છો કે ભૂતકાળમાં મારે એ સહુની સાથે તેઓની નીતિ, કાર્યપદ્ધતિ તેમજ વર્તણુંક પરત્વે મતભેદ હતો. પરંતુ અત્યારે તો હું ફક્ત આટલું જ યાદ રાખવા માગું છું કે તે બધા પંજાબ સરકારની દમન-નીતિના ભક્ષ બન્યા છે અને દેશપ્રેમ તેઓનો ગુનો ઠર્યો છે. એ રીતે તો તેઓ મને વહાલા છે અને તેઓની જખ્મી દેશભક્તિને હું વંદના દઉં છું. તેઓની તમામ અંગત નબળાઈઓને, તમામ દૂષણોને હું ભૂલી ગયો છું. અત્યારે તો તેઓનાં દુ:ખો, એજ એક વિચારની વસ્તુ છે. અત્યારથી તો હું તેઓને પૂજ્યા કરીશ. * * * '