પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧

ઔદાર્ય



ધારાસભાની બેઠકમાં હાજરી આપવા હું સીમલા જતો હતો. કાલકા સ્ટેશનેથી લાલાજી પણ મારા ડબામાં ચડ્યા. ચડતાંની વાર પહેલવહેલા જ શબ્દો એમના મોંમાંથી આ નીકળ્યા : 'તેં નેહરૂ રીપોર્ટ વાંચ્યો ? એ તો મહાન વિજયનું કામ થઈ ગયું છે.'

મેં કહ્યું, 'ના હજી નથી વાંચ્યો.'

લાલાજી હર્ષભેર બોલ્યા, 'આહા ! એ ડોસા મોતીલાલજીએ તો હિન્દને બચાવી લીધું. હું તો એના ઉપર આફરીન છું. મેં તો એને તુરત જ મારા અભિનંદનનો તાર કરી દીધો છે ?'

મેં કહ્યું, ' લાલાજી, આપને આટલા સુખમય મિજાજમાં નિહાળીને મને અનહદ આનંદ થાય છે.'

હું વાક્ય પૂરૂં કરૂં ત્યાં તો એ ઉતાવળે બોલી ઊઠ્યા, આહાહા ! તું આવું બોલે છે કારણ કે તેં હજુ રીપોર્ટ વાંચ્યો નથી ! સીમલા પહોંચીને તુરત જ હું તને મારી પાસેની પ્રત આપી દઈશ અને ત્યારે જ તું મારા કહેવાનું તાત્પર્ય સમજી શકીશ. હું કહું છું કે તારા બંકડા પંડિત સિવાય કોઈની મગદૂર નથી કે આટલી હિંમત અને સ્પષ્ટતા દાખવી શકે. મુસ્લિમ પ્રશ્નના વિષમ ગુંચવાડાનો આવો વ્યવહારૂ અને ન્યાયસરનો ઉકેલ આણીને તો એણે મુસ્લિમોની ખાસ માગણીઓને ભોંઠી જ પાડી દીધી છે.'