પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૪૦



થોડીવાર તો પાસે બેઠેલ પૌત્રને લાગ્યું કે દાદાજી નિદ્રા કરે છે. પણ પછી સંદેહ પડ્યો. દોડીને સહુને બોલાવ્યા. ટેલીફોન કરીને દાક્તરોને તેડાવ્યા. મૃતદેહની મુખમુદ્રા પર એટલી બધી તાઝગી હતી કે દાક્તરોએ આવીને જ્યારે મૃત્યુ જાહેર કર્યું ત્યારે જ શ્રદ્ધા બેઠી કે દીપક ઓલવાયો છે.

લાલા હંસરાજ આવ્યા ને ભાઈ પરમાનંદ આવ્યા. બાલ્યાવસ્થાથી જ દોસ્તીની ગાંઠે બંધાયેલા ત્રણે ગોઠીઆ હતા. જીવનનાં પ્રત્યેક કાર્યોમાં ત્રણેએ સાથે મળી સેવા દીધેલી, પરંતુ છેલ્લે છેલ્લે ભાઈ પરમાનંદની પ્રકૃતિએ પલટો લીધેલો, લાલાજીની સાથે ઉગ્ર મતભેદ પડેલો. લાલજીના ઉતાવળીઆ સ્વભાવે બન્ને વચ્ચે અંગત વિચ્છેદ પાડેલો. ઘણા દિવસથી ચાર આંખો પણ ભેળી નહોતી થઈ. આજ મિત્રના શબના પગ પાસે ઉભેલા એ 'ભાઈજી'ને સાઠ વર્ષનો ભૂતકાળ સાંભરી આવ્યો. મૃત બાંધવાના સૂતેલા, સૌમ્ય, સ્નેહનીતરતા મુખ સામે 'ભાઈજી'ની મીટ મંડાઈ ગઈ. એનાં નેત્રોમાંથી અશ્રની ધારાઓ ચાલવા લાગી. મિત્રના ચરણ ઝાલીને 'ભાઈજી' નાના બાલકની માફક રોયા. સાંજરે સારૂં હિન્દ રોયું, દેશદેશાવરમાં અનેક નાનાં મોટાં સ્નેહીજનોએ પણ અશ્ર સાર્યાં. જેણે જેણે લાલાજીને દૂભવ્યા હતા તે તમામને દિલમાં ચીરા રહી ગયા. જેને જેને મરનારે દૂભવેલા તેના વ્રણો ઉપર એ નિર્દોષ મહાવીરના મૃત્યુએ ક્ષમાની ફુંક મારી રૂઝ વાળી દીધી.