પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલ્યાવસ્થા

૧૪


લલકારે, સાથે ઝાંઝ સારંગી ને મૃદંગ વાગે, અને નાના સિપાઇથી માંડી ડેપ્યુટી કલેક્ટર સુધીના સર્વ શ્રોતાઓ એની સન્મુખ એક જ જાજમ પર સમાન ભાવે બેસી અમૃતપાન કરે. વળી એ તો તુલસીદાસની વાણી ! વીરરસ વર્ણવાય ત્યારે શ્રોતાઓનાં હૃદય વીરત્વથી ઉછળતાં ને કરૂણરસ વેળાએ સહુને નેત્રે અશ્રુધારા ચાલતી. એવો એ રામાયણ વાંચનાર ! જાતનો વાણિયોઃ મૂળ તો હરામખોર પણ રામાયણના ઉત્તર કાંડની કથાએ એક દિવસ એના પાપને અનુતાપના અગ્નિમાં ખાખ કરી નાંખ્યાં અને એ પરમાર્થમાં પડ્યો. મારા પિતા પર પણ એના રામાયણ વાચનનો એવો પ્રભાવ પડ્યો કે દિવસભર પોલિસ ઓફિસરની ક્રૂર ફરજો અદા કરી, ગુનેગારોને કેદ પકડી પોલીસ-ડાયરી લખતા; અને રાત્રીએ અપરાધી તેમજ ફરિયાદી, થાણાદાર અને જમાદાર, સિપાઈ અને ખલાસી, તમામને એક જ આસન પર બેસાડી રામાયણ સંભળાવવા લાગ્યા. કોઈ કોઈ વાર તો આ કથાની મદદથી એમનો મુકદમો પણ સરલ થઈ જતો. એક રાતે ભગવાન રામચંદ્રજીની ક્ષમાનો પ્રસંગ છેડાયો અને પિતાજીએ સિદ્ધ કરી બતાવ્યું કે, 'પાપનો સ્વીકાર કરી લેવો એ ઉત્તમમાં ઉત્તમ પ્રાયશ્ચિત છે. શરણાગતને પ્રભુ કદી ઠેલતો નથી.'

આટલું સાંભળીને એકાએક આરોપીઓમાંથી એક પ્રંચડ, અલમસ્ત આદમી ઊભો થયો.પિતાજીની સામે સાષ્ટાંગ ઢળી પડ્યો અને હાથ જોડી ગદ્ગદ્ કંઠે બોલ્યો કે, બન્ને ખૂન મેં જ કર્યા છે. લાવો કાગળ, એકરાર લખી દઉ.'