પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫

સત્યવીર શ્રદ્ધાનંદ



શસ્ત્ર અને વ્યાયામ

સીગરામમાં બેસીને અમે ફત્તેહપુર જતા હતા. માર્ગમાં રાત પડી ને અંતરિયાળ ઘોડા પણ થાકીપાકીને બસ ઊભા થઈ રહ્યા. કોચમીન અને સાઇસ ઘોડા બદલવા ગામડામાં ગયા. હું સીગરામમાં હતો, ને પિતાજી સડક પર ટેલવા લાગ્યા. અકસ્માત બાજુના ખેતરમાંથી કેટલાક ડાંગોવાળા નીકળ્યા. પિતાજીએ પોતાના હાથમાં પિસ્તોલ હતી તેનો ભડાકો કર્યો અને મને હાકલ કરી કે 'મુન્શીરામ, લાવ મારી બે જોટાળી બંદૂક.' ડરતો ડરતો પણ છરા, દારૂ ને બંદૂક લઈ હું પિતાજીની પાસે દોડ્યો. લૂંટારા નાસી છૂટ્યા, ને અમારો સીગરામ રસ્તે પડ્યો. તે સમયથી મને બંદૂક વાપરવાની તાલીમનો શોખ થઈ ગયો. બીજુ બાજુ કાશીમાં રોજ પ્રભાતે ગંગાસ્નાન અને દેવદર્શનની સાથેસાથ કસરતનો પણ અભ્યાસ પડી ગયો. ગંગાના પ્રત્યેક ઘાટ પર તે વખતે અખાડા જામી પડ્યા હતા. અખાડે અખાડાનો ઉસ્તાદ કુસ્તી શીખવતો હતો. મેં પણ દશેરાના મેળા પર મને મળેલ પૈસામાંથી થોડા બચાવી એક ઝારી લીધી, એક પૂજન- થાળી લીધી. અક્ષત પાણી, ચંદ, ફૂલ અને બિલ્લીપત્ર એ પૂજન-થાળમાં લઈ તથા પાણી એ ઝારીમાં ભરી, બગલમાં ધોતી દબાવી નિત્ય પ્રભાતે હું ચાલી નીકળતો. પ્રથમ અખાડામાં જઈ દંડ બેઠક અને કુસ્તી કરતો. પસીનો સુકાતાં જ ગંગામાં ઝંપલાવતો, ન્હાઈને ઝારી ભરી લેતો.