પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યૌવનના તડકાછાંયા


કોલેજના પ્રીન્સીપાલ


પ્રથમ તો સ્મરણે ચડે છે મારી કોલેજના પ્રીન્સીપાલ ગ્રીફીથ સાહેબ. વાલ્મિકી રામાયણનું અને ચારે વેદોનું એણે અંગ્રેજીમાં ભાષાન્તર કરેલું. હતા તો પાંચ ફૂટના વામનજી, પણ નખથી શિખા સુધી સાફસુફ, એક ટાંગે લંગડા થઈ ગયેલા અને પગ ભાંગવાનું કારણ પણ વિચિત્ર હતું. એક તો પોતે કવિરાજ, અને વળી એમનો ટમટમ એટલો ઊંચો કે એક સડક પરથી બીજી સડક પર વાળવા ગયા ત્યાં ગરદન તારમાં અટવાઈ ગઈ ને પોતે પૃથ્વી પર પટકાયા. પગે લંગડા તો થયા, પણ પગના બૂટની એડી જરા ઊંચી કરાવીને એવી યુક્તિથી ચાલતા કે બીજાઓને પગની ખોટ દેખાય જ નહિ. શોખીન પણ એવા, કે નવાં કોટપાટલુન પહેરતી વખતે જરા પણ બંધબેસતાં ન લાગે તો બહાર ફેંકી દે. ઉપરાંત એવા તો કોઈ હતભાગી વિધાર્થી નહિ હોય, કે જેણે સાહેબના નોકરને આઠ આના રૂપિયો આપીને સાહેબની ગેરહાજરીમાં એના બંગલાના મુલાયમ ગાદીવાળા કોચોનો આનંદ ન લુંટ્યો હોય, સાહેબ બહાદુર પરણ્યા તો નહોતા