પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩

યૌવનના તડકાછાંયા


પિતાજી પાસે ચાલ્યો ગયો. પિતાજી સમજે છે કે છોકરો પરીક્ષાની તૈયારી કરે છે, જ્યારે પુત્ર-રત્ન તો પોતાને નવલકથાના નાયક તરીકે કલ્પી અનેક હવાઈ કિલ્લા રચી રહ્યા છે ! રાતે દીવાને અજવાળે ગરમી સતાવે અને વળી પતંગીઆં બળી મરે, તેથી મારી આંખેાની અસાધારણ જયોતિનો ગર્વ કરીને હું પૂર્ણિમાના આગલા પાછલા દિવસોમાં ચંદ્રને અજવાળે નવલકથાઓ વાંચવા લાગ્યો. [દસ વર્ષ સુધી આ બેવકૂફી ચાલુ રહી. પરિણામે આંખોને ઈજા પહોંચી.] રજા ખલાસ થયે હું કાશીમાં આવ્યો. પિતાજીનું પણ કામપ્રસંગે આવવું થયું. જમ્યા પછી પિતાજીએ પૂછ્યું કે

“નિશાળે ક્યારે જવું છે ?” સત્ય કહેતાં મને આજે લજજા આવી. જીવનમાં પહેલી જ વાર હું જુઠું બોલ્યો, “આજે રજા છે !” પિતાજી બહાર ગયા. રસ્તે એમને મારા ધોરણના વિદ્યાર્થીઓ મળ્યા. તેઓની પાસેથી સત્ય સાંભળ્યું કે મારૂં નામ તો કાઢી નાખવામાં આવ્યું છે ! પિતાજીને ઊંડો આઘાત થયો. નિઃશ્વાસ નાખીને એમણે મને પૂછ્યું “બેટા, મારા આટલા વિશ્વાસના બદલામાં આવો વિશ્વાસઘાત ! તારૂં દિલ નહોતું ચોંટતું તો મને લખ્યું શા માટે નહિ ?”

એક તરફ પિતાજીનો પ્રેમ ને બીજી તરફ આ વિશ્વાસઘાતઃ રોઈ રોઈને મેં આંસુ ઠાલવ્યાં. પિતાજીએ દિલાસો દઈ મને દૂર કર્યો, પણ મને ક્યાંથી શાંતિ મળે ! સંસારમાં મને અંધારૂ જ દેખાયું. ભૂખતરસ ઊડી ગઈ,