પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૨૮


ચોરીછુપીથી આવવું, પિતાજી સૂતા. કેસરી જભ્ભો ચડાવીને હું જલસામાં જઈ બેઠો. પ્રથમ લજજા આવી. પછી સંકોચ છૂટી ગયો. સહુની સાથે મેં પણ ચાર કલાકમાં પચાસ પાનપટી ચાવી કાઢી. ત્રણ બજે ચુપકીદીથી આવીને હું સૂઈ ગયો. પ્રભાતે ગળું સૂકાઈને સોઝી ગયું. પસ્તાવો થયો. પણ પ્રાયશ્ચિત્તની હિંમત ચાલી નહિ. મારી અને પિતાજીની વચ્ચેનો આ પહેલો અંતર્પટ હતો.

એક મહેમાને પિતાજીને આશરે આવીને મને હુક્કાની પણ લત લગાડી. પિતાજીની કૃપાનો બદલો વાળ્યો ! પ્રથમ મેં મારો એકલાનો જ હુક્કો વસાવ્યો. પછી તો મિત્રોને માટે પણ માટીના જુદા જુદા હુકકા, દરેકની ઉપર નામ લગાવીને જમાવ્યા. ધીરે ધીરે મારી એારડી હુક્કાનો જ અડ્ડો બની ગઈ ને રોજ સાંજે એમાં દાયરો ભરાવા લાગ્યો.

હું શૂરવીર તો બેશક હતો જ. એક વખત એક મિત્રને ઘેરથી ભોજન લઈ રાતે દશ બજે ઘેર વળતાં એક ગલીમાં કોઈને મારવા માટે એક ગુંડો ચકચકતી છૂરી લઈ ઊભેલો. ભૂલથી એ મારા પર કૂદ્યો. મારી ગરદન પકડીને એણે મારા માથાના ડાબા લમણા પર છૂરી ભોંકી દીધી. મારો હાથ મારી કમરની છૂરી પર ગયો, ને પલકમાં મારી છૂરી એની છાતી પર જોરથી પડી. ગુંડો ભાગ્યો, મારા માથામાંથી લોહીની ધાર ચાલી. ઘેર જઈ, રેશમ બાળી, પાટો બાંધી હું સૂઈ ગયો.