પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨

સત્યવીર શ્રદ્ધાનંદ


જોવાયું. દોડીને જોરથી એ અસૂરના મેાં પર મેં થપ્પડ ધરી દીધી, અને ગોથું ખાતો ખાતો એ કામાંધ દિવાલની ઓથ મળવાથી જ પટકાતા રહી ગયો. એ ગભરાયેલી અબળાને હું મારા મકાન પર લઈ આવ્યો અને મેં એને પૂછ્યું કે 'કેાને શોધો છો ?' ઉત્તર મળ્યો કે 'મારા પતિદેવથી વિખુટી પડી ગઈ છું.' મારા ઘરને આશરે એને મૂકીને હું એના સ્વામીની શોધમાં ગંગાકિનારે ચાલ્યો. એ પણ બહાવરો બની પોતાની સ્ત્રીને શોધતો હતો. મે એને સાંત્વન દીધું અને નહાઈ ધોઈ એને મારે ઘેર લઈ આવ્યો. પતિપત્નીનો એ મેળાપ કરાવી આપવાથી મારા અંતરમાં ઊંડો હર્ષ ઊછળવા લાગ્યો હતો. મારો નોકર ગામ ગયેલો તેથી એ અબળાએ જ રસોઈ કરી ને અમે જમ્યાં. બપોરે તે દંપતીને ઉપરના માળ પર ઉતારો આપી હું બહાર ચાલ્યો. એ અબળાનો સ્વામી પણ દશેરા જોવા નીકળી પડ્યો. સાંજે છ બજે હું ઘેર પાછો આવ્યો અને એ સમયે હું પ્રલોભનમાં ફસાઈ ગયો. હાય ! કૈં વર્ષોની કમાણી એક કલાકમાં ડૂબી ગઈ. એ રાતે મેં ખાધું નહિ. આખી રાત વ્યાકૂલ બની રહ્યો. બીજે દિવસ પ્રભાતે પુન: રામાયણનું સ્મરણ થયું. ગંગાસ્નાન પછી મારા મિત્રને ગામ જવા ચાલી નીકળ્યો. ચાર ગાઉને અંતરે આવેલા એ ગામમાં ભૂખ્યો ને તરસ્યો પહોંચ્યો. મિત્રની સમક્ષ મારા પતનની કથની કહી સંભળાવી. બિમાર બંધુ પોતાની બિમારી ભૂલી ગયો ને મને દિલાસો દેવા લાગ્યો. બધી વાત સાંભળીને મને એણે નિર્દોષ ઠરાવ્યો. એ