પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩

યૌવનના ફાંસલા


સદાચારી સ્નેહીએ વિવાહ પૂર્વેની પોતાની પતિત હાલત યાદ કરી પાપનું પ્રાયશ્ચિત બતાવ્યું. બે દિવસ રહીને હું પાછો કાશી આવ્યો ને મારાં કર્મો ધોવાતાં હોય તેવું સૂચવનારી એક ઘટના બની.

પેલી જે અબળાને મેં ગુફામાંથી ઉગારી હતી, તેનો પતિ મારી પાસે આવીને મને કહેવા લાગ્યો કે 'ભાઈ, મારી પત્નીએ તમને જમવાનું નિમંત્રણ મોકલાવ્યું છે.' હું બીજે દિવસ ત્યાં જતા પહેલાં, પ્રભાતે સીતાહરણની કથા ફરીવાર વાંચી, આંસુ વહાવી, હૃદયને નિર્મળ કરી ચૂક્યો હતો. સાથે ફળ લઈ ગએલો. જઈને તુરતજ એ ફળ એ અબળાની સમક્ષ ધરીને કહ્યું 'બહેન રાજરાણી, આ તારે માટે લાવ્યો છું.' રાજરાણીના હૃદય પર આ શબ્દોની કેવી પુનિત અસર થઈ હતી તે એના સ્વામીએ મને પાછળથી કહ્યું હતું. અને એ દેવીના પાવનકારી પ્રેમનું દર્શન મને પણ તુરત જ થઈ ગયું. ભાઈબીજ આવી. પ્રત્યેક ભાઈબીજને દિવસે મારા ભાલમાં ચાંદલો કરનારી, મારે કાંડે રાખડી બાંધનારી અને મારા ખોળામાં મીઠાઈ દેનારી, મારી યજ્ઞોપવિત-ક્રિયા વખતની પેલી ધર્મભગિની તો કાશીમાં નહોતી. મને આજ એ બહેન સાંભરી આવી. ત્યાં તો એકાએક કોઈનો મીઠો, મમતાભર્યો ટંકાર સંભળાયો: 'વીરા ! ભાઈબીજનો ચાંદલો કરવા અાવી છું.'