પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨

સત્યવીર શ્રદ્ધાનંદ


અને આગ્રહ કરીને પ્યાલી લેવરાવી. પછી વાતોએ ચડ્યા. એ ના પાડતા રહ્યા ને હું ચાર પ્યાલી ગટગટાવી ગયો. દારૂ ચડ્યો. મિત્રો મને વેશ્યાના ઘરમાં તેડી ગયા. પહેલી જ વાર મેં વેશ્યાના ઘરમાં પગ દીધો ! કોટવાળ સાહેબના પુત્રને દેખી તમામ વેશ્યાઓ ઝુકી ઝુકી સલામો ભરવા લાગી. મુજરાની તૈયારી થવા માંડી, ત્યાં તો મારા મોંમાંથી કોણ જાણે શું નીકળ્યું ને આખું ઘર કાંપવા લાગ્યું. “નાપાક ! નાપાક !” કરતો હું નીચે ઊતર્યો. લથડિયાં લેતો ઘેર પહોંચ્યો. નોકરે બૂટ ઊતાર્યા, ઉપર ચડવા જાઉં, પણ ઊભું જ થવાયું નહિ એવો ચકચુર હતો ! બે નેાકરોને ખભે ટેકો દઈને ચડ્યો. પરંતુ ઊલટી તો વધવા જ લાગી.

એ સમયે એક નાજુક આંગળીઓ વાળો હાથ મારા મસ્તક પર પંપાળવા લાગ્યો ને મેં ખુલાસાથી ઓકી કાઢ્યું. મારી દેવીના હાથમાં જાણે હું બાળક બની ગયો. એણે મને કોગળા કરાવ્યા, મોં લૂછ્યું, અંગરખું બગડ્યું હતું તે ફેંકી દીધું ને મને ઝાલીને અંદર લઈ ગઈ. પલંગ પર સુવાડી મને ચાદર ઓઢાડી, બેસીને મારૂં માથું દાબવા લાગી. કરૂણા અને શુધ્ધ પ્રેમથી ભરેલું એ મોં હું કદી નહિ ભૂલું. જાણે મારી માતાની છત્રછાયા તળે અખંડ શાંતિથી પોઢી ગયો. ગાઢ નિદ્રા આવી ગઈ. રાતે એક બજે મારી આંખ ઊઘડી ગઈ. જોઉ છું તો પંદર વરસની એક બાલિકા ચુપચાપ બેઠી બેઠી મારા પગ દાબી રહી છે.