પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૪૪


બતાવ્યું. એ વખતે તો દેવી ચુપ રહી. પણ મને કોગળા કરાવી, મેાં ધોવરાવી, પોતે જમવા બેઠા પહેલાં જ પોતાનાં સોનાનાં કડાં ઉતારીને મારી પાસે લાવી. હું ચકિત થઈ ગયો.

'અરે દેવી !' મેં લજવાઈને કહ્યું 'આવું તે કાંઈ બને ? તને આભૂષિત કરવી જોઈએ તેને બદલે શું હું તારાં આભૂષણો ઉતારી લેવાનું પાપ કરૂં ?'

'આમ જુઓ !' દેવીએ કડાની બીજી જોડ બતાવીને મને ફોસલાવ્યો.“આ એક જોડ પિયરની ને એક જોડ સાસરાની દીધેલી છે એટલે મારે તો બેમાંથી એક જોડ નકામી જ પડી છે. વળી એ તો મારી મિલકત છે ને ! આ દેહ તમારો છે. તો પછી ધૂળ જેવાં કડાં લેવામાં તમને શાનો સંકોચ હોય ? ને વળી, તમારી ચિંતાઓ ટળી શકતી હોય તે શું આ સોદો મોંઘો છે ?'

એના ઉદ્દગારો તો પંજાબી ભાષામાં હતા, ને એના અનુવાદમાં કદાચ મારાથી વધારો પણ થઈ ગયો હશે, પરંતુ ભાવ તો આ જ હતેા. કડાં વેચીને હું દારૂના દેવામાંથી મુક્ત થયો. પ્રલોભનથી બચવા ખાતર થઈને બાકી વધેલા રૂપિયા પણ મેં દેવીની પેટીમાં જ મૂકાવ્યા, અને મન સાથે ગાંઠ વાળી કે કમાવા લાગીશ ત્યારે પહેલાં પ્રથમ તો આ લીધા છે તેટલા રૂપિયાનો દાગીનો જ દેવીને ઘડાવી દઇશ.”