પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯

અજવાળાંનો ઉદય


'તમારા પંડિતને કહી આપો, કે આટલી કટુતા ન વાપરે. અમે ખ્રિસ્તીઓ તો સભ્ય છીએ. વાદવિવાદથી ઉશ્કેરાતા નથી, પરન્તુ કોઈ ઝનૂની હિન્દુ મુસલમાન કોપાશે તો એનાં ભાષણો અટકાવી દેશે.'

આ શબ્દો, વળતા જ પ્રભાતે કમીશ્નર સાહેબે સ્વામી દયાનંદના અગ્રગણ્ય અનુયાયી ગૃહસ્થ ખજાનચીજીને બોલાવીને સંભળાવી દીધા. એ ગૃહસ્થની છાતી નહોતી કે સ્વામી દયાનંદની સન્મુખ જઈને આ સંદેશો પહોંચાડે. અન્ય સહુએ પણ એ કામ કરવાની ના પાડી. એટલે મને નાસ્તિકને હડસેલવામાં આવ્યો. મેં તો ત્યાં જઈને ઋષિજીને એટલું જ કહ્યું કે 'ખજાનચી આપને કંઈક કહેવા માંગે છે. કેમકે કમીશ્નર સાહેબે એમને બોલાવ્યા હતા.' હું તો છૂટ્યો અને બધી આફત ખજાનચીને માથે ઊતરી પડી. એ બિચારા તો ગળું ખોંખારતા, માથું ખજવાળતા, ઋષિજીની સામે પાંચ મીનીટ સુધી થંભી ગયા. ચકિત થઈને ગુરૂજી બેાલ્યા:

'ભાઈ, તમારે તો સમયની કિંમત નથી, પણ મારે માટે તો સમય અમૂલ્ય છે. એટલે કહેવું હોય તે જલદી કહી નાખો ?'

'મહારાજ ! વ્યાખ્યાનમાં કડવાશ ન આવે તો કશી અડચણ છે ? અંગ્રેજોને નારાજ કરવા ઠીક નહિ, વળી એથી અસર પણ સારી થવાની.' ખજાનચીજી થરથરતા થરથરતા બોલ્યા.