પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૫૦


'અરે રામ !' હસીને મહારાજ બેાલ્યા, 'આમાં એવી તે શી વાત હતી કે તમે થોથરાઈ રહ્યા છો ? નાહક મારો સમય નષ્ટ કર્યો. સાહેબે કહ્યું હશે કે તમારો પંડિત કડવું બોલે છે, ભાષણ બંધ થઈ જશે, આ થશે, ને તે થશે, એટલું જ ને ! અરે ભાઈ, હું કાંઈ વાઘ દીપડો નહોતો કે તમને ખાઈ જાત ! એણે તમને જ કહ્યું હતું તો તમે સીધા મને કાં ન કહી ગયા ? નકામો મારો આટલો સમય બગડાવ્યો.'

એ સાંજની ઘટનાને કોણ ભૂલી શકે ? આગલા દિવસના તમામ અંગ્રેજો–પાદરી સ્કોટ સિવાયના–હાજર હતા. વ્યાખ્યાનમાં સત્યનો વિષય આવ્યો. સત્યની વ્યાખ્યા કરતા કરતા સ્વામીજી બોલ્યા, “લોકો મને કહે છે કે સત્યને પ્રકટ ન કરો. કલેક્ટર ગુસ્સે થશે, કમીશ્નર નારાજ થશે, ગવર્નર સતાવશે ! અરે ભાઈ, ચક્રવર્તિ રાજા ભલે ને અપ્રસન્ન થતો ! હું તો સત્ય જ કહેવાનો. આ શરીર તો અનિત્ય છે, જેની મરજી થાય તે એને ભલે ઉડાવી દેતું.' પછી ચારે બાજુ તિક્ષ્ણ દૃષ્ટિ કરી સિંહનાદે ગરજ્યા 'પરંતુ એવો એક શૂરવીર તો મને બતાવો, કે જે મારા આત્માનો નાશ કરવાનો દાવો ધરે છે ! જ્યાં સુધી એવો વીર દુનિયામાં નથી, ત્યાં સુધી હું સત્યને દાબી રાખવાનો વિચાર સરખો પણ કરીશ નહિ.'

આખી સભા સ્તબધ બની ગઈ, મારૂં હૃદય ફાટ ! ફાટ ! થયું.