પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧

અજવાળાંનો ઉદય



'ભકત સ્કોટ આજ કેમ નથી દેખાતા ?' ઋષિએ વ્યાખ્યાન સમાપ્ત થતાં જ પૂછ્યું. કેમકે એ સૈામ્ય પાદરી પર એમની પ્રીતિ હતી.

'મહારાજશ્રી, પાસેના દેવળમાં આજે એમનું વ્યાખ્યાન હતું.'

'ત્યારે તે ચાલો, ભકત સ્કોટનું દેવળ જોઈ આવીએ.' એમ કહીને ઋષિ તમામ મેદનીને લઈને ચાલ્યા. દેવળમાં સ્કોટ સાહેબે સામા આવીને સત્કાર દીધો. સ્વામીજીને વેદી પર જઈ કંઈક પ્રવચન કરવા વિનવ્યા. સ્વામીજીએ વીસ મીનીટ સુધી મનુષ્યપૂજાના ખંડન પર વ્યાખ્યાન દીધું. આર્ય ધર્મના એક ધુરંધર પુરુષ ખ્રિસ્તીના દેવળમાં જાય એ ધર્મૌદાર્ય હું કેમ ભૂલું ?

હું મોરલી પર નાચતા નાગની માફક મુગ્ધ બન્યો. પણ ઈશ્વરના અસ્તિત્વ વિષેની મારી ઘોર નાસ્તિકતા આડે આવવા લાગી. હું ઋષિવર પાસે ગયો. નાસ્તિકતાના અભિમાનમાં ને અભિમાનમાં એકસામટા અનેક આક્ષેપો ઈશ્વરની હસ્તી પર હું વરસાવી ગયો, પાંચ જ મીનીટના પ્રશ્નોત્તરમાં મહર્ષિએ મને એવો ગૂંગળાવ્યો કે મારૂં મોં બંધ થયું. હું બોલ્યો:

'મહારાજ, આપની દલીલો તો બહુ જ તીક્ષ્ણ છે, મને ચુપ તો કરી દીધો, પણ પરમેશ્વર પર વિશ્વાસ તો ન કરાવ્યો !'