પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૫૪


ખુરશી પણ ન આપી. મારો રીપોર્ટ વાંચીને મને હુકમ કર્યો કે 'કર્નલની માફી માગ, નહિ તો તારી સામે પગલાં લેવાશે.'

જવાબમાં હું સાહેબને સલામ કરીને ચુપચાપ ચાલી નીકળ્યો. તુરત કમીશ્નર સાહેબનો સ્વાર મને બોલાવવા આવ્યો, મેં જઈને એમને બધી કથની સંભળાવી અને વિનવ્યું કે 'આવી નોકરીથી હું ધરાઈ ગયો. હવે મને રજા આપો.'

કમીશ્નરે કલેક્ટરનો હુકમ રદ કર્યો, મને નિર્દોષ ઠરાવ્યો અને નાખુશી સાથે મારૂં રાજીનામું સ્વીકાર્યું.

બસો રૂપિયા મેં મારા પગારમાંથી બચાવ્યા હતા તે મારી દેવીનાં કડાંના વેચાણની જે રકમની બચત પડી હતી તેમાં ભેળવીને મેં પિતાજીની પાસે ધરી દીધાં, અને કડાં વેચ્યાની તમામ કથની એમને સંભળાવી દીધી. પિતાજી મારા સત્ય પર પ્રસન્ન થઈને બેાલ્યા 'તું તો નાસ્તિક છે ને ! નાસ્તિક તે કદી આવો સાચો હેાય ?'

દેવીનાં કડાં ફરીવાર હતાં તેવાં ને તેવાં કરાવી દઈ હું પત્નીના ઋણથી મુક્ત થયો. અને હવે તો મારા બેાજાની ચિંતાથી પિતાજીને મુકત કરવા માટે હું વ્યવસાય શોધવા લાગ્યો. એક મિત્રની સલાહથી, ઘેરથી રૂ. ૬૦૦ લઈને લાહોર ગયો. ત્યાં દુકાન ખોલી. મિત્ર મેનેજર બન્યા. ખર્ચ પર ખર્ચ તો ચડવા લાગ્યું, પણ વેચાણ ન મળે.