પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫

ધંધાની શોધમાં


મિત્રની શીખવણી હતી કે વિલાયતી દારૂનું લાઈસન્સ લઈએ એટલે દારૂમાંથી સારી પેઠે નફો રહેશે ! દારૂના પરવાના માટે હું ડે. કમીશ્નરને વિનતિપત્ર લખવા બેઠો. પણ લખતાં લખતાં લજજા છુટી. અરજી અડધી લખીને જ ફાડી નાખી દુકાન સંકેલી લીધી. રૂ. ૨૫૦ વધ્યા, મનમાં થયું કે “સસ્તામાં જ છુટ્યો !” ફરીવાર નોકરીના સંકલ્પો જાગ્યા. બબ્બે ત્રણ ત્રણ દિવસે નોકરી માટે અરજી લખીને ફાડી નાખતો, અંગ્રેજ સરકારની નોકરી પરથી ઊઠેલું દિલ કોઈ દેશી રજવાડા તરફ દોડ્યું, પણ ત્યાં તો અંદરથી અવાજ સાંભળ્યો કે 'ત્યાં તો બ્રિટિશ રાજ્યથી યે અધિક ગુલામી છે.'

એ સંકલ્પ છોડી દીધો. મુખતીઆર (વકીલ)ની પરીક્ષા દેવા નિશ્ચય કર્યો, ને પરીક્ષામાં સફળ થયો. ફિ઼લ્લોરમાં વકીલાત આદરી. જેવી રીતે પ્રમાદી બ્રાહ્મણ કોઈ અનિશ્ચિત યજમાનના દાન પર આધાર રાખીને પગ પર પગ ચડાવી બેસે, અને કોઇ દિવસ ભૂખ્યો રહીને તો કદી માલપુવા ખાઈને દિવસ વીતાવે, તેવી જ ગતિ નવા વકીલની પણ થાય છે, તે મેં અનુભવ્યું. કદી બન્ને ખિસ્સાં ભરાય તો વળી ચાર દિવસ હવા ખાવી પડે, પણ મારો સિતારો બુલંદ હતો. પહેલે મહિને ૭૫ ને બીજે ૨૦૦ સુધી રળ્યો. જઈને પિતાજીની પાસે હિસાબ ધરી દીધો. એમણે આશીર્વાદ સાથે કહ્યું કે 'તારી પરીક્ષા થઇ ચુકી. હવે સુખેથી કમા અને સંસાર ચલાવ. મને સંતોષ છે.'