પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સંયુક્ત આવૃત્તિ વેળા

'સત્યવીર શ્રદ્ધાનંદ' અને 'નરવીર લાલાજી' નામની મેં આલેખેલી બે જીવનકથાએાનાં બે જુદાં પુસ્તકો હતાં તે રદ કરી આ એક જ પુસ્તકાકારે મૂકવાનું હવે ઉચિત લાગ્યું છે. બન્ને જણ મહર્ષિ દયાનંદના અગ્નિકુંડ સમા જીવનમાંથી ઊડેલા સ્ફુલિંગો હતા, બન્ને રાષ્ટ્રના ઘડનારા હતા, બન્નેનું બલિદાન પણ સરખુ જ અપાયું છે; ફરક એટલો જ કે એકે સંન્યાસીવેશે રાષ્ટ્રને ઉપાસ્યો, બીજાએ સંસારી રૂપે, પણ પરિણામે તો બેઉ જીવન-સરિતાઓ એક જ સાગરમાં સમાઈ ગઈ.

આ સંયુક્ત આવૃત્તિ વખતે, પ્રત્યેક પુસ્તકની નવી આવૃત્તિ કરતી વેળાની મારી ટેવ મુજબ, શ્રદ્ધાનંદજીની જીવનકથાના મૂળ આધારગ્રંથ તેમ જ ઇતર ઉપલબ્ધ સાહિત્ય ફરીવાર જોઈ ગયો છું અને નવા જે કંઈ મુદ્દા સાંપડ્યા તેનો હાથ આખી લખાવટ પર મારી લીધો છે. બીજો ફેરફાર તો બેમાંથી એકેયમાં કર્યો નથી.

'ઝંડાધારી' નામની મહર્ષિ દયાનંદ સરસ્વતીની જીવનકથાની પણ અત્યારે ચાલી રહેલી નૂતન આવૃત્તિને સવિશેષ સમૃદ્ધ બનાવી રહ્યો છું.

૧૯૨૨ થી ૧૯૩૧ સુધીના સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરમાંથી જે પ્રકાશનો અમે આપતા હતા, તેમાં આપણા મૃત્યુખોળે ખરી પડતા રાષ્ટ્રવીરોની ઝડપી જીવનકથાઓ અને પરપ્રજાએાની આઝાદીની લડતની