પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૬૬


કરી શકું ? હા, સાંસારિક વ્યવહારમાં આપ જે આજ્ઞા આપો તે ઉઠાવવા હાજર છું.” એટલું કહીને હું ચુપ થઈ ગયો.

'શું ! ! !' પિતાજીએ રોષથી તપી જઈને હાકલ દીધી શું તું મારા ઠાકોરજીને પત્થર સમજે છે ?'

'મારે માટે તો પરમાત્માથી બીજે દરjજે આપ જ મારા આરાધ્ય દેવતા છો. પરંતુ આપ શું એમ ચાહો છો પિતાજી, કે આપનું સંતાન પાખંડી બની જાય ?'

'કયો બાપ પોતાના સંતાનને પાખંડી બનાવવા ચાહે?' લડથડતી જીભે પિતાજીએ હુંકાર્યું.

'તો પછી મારે મન તો આ મૂર્તિઓ પાખંડ સિવાય બીજું કશું જ નથી.'

'હાય રે ભગવાન !' પિતૃદેવનું અંતર ભેદાતું હોય એમ નિઃશ્વાસ સરી પડ્યો. 'મને હવે ભરોસો નથી, કે મરતી વેળા મારા મોંમાં કોઈ પાણી મૂકનાર પણ રહેવાનો. ઠીક પ્રભુ ! જેવી તારી ઇચ્છા !'

જાણે કે હું ધરતીમાં ખૂંચી ગયો. દસ મીનીટ સુધી મને શુદ્ધિ ન રહી. પિતાજી પણ પ્રતિમાવત ચુપ થઈ ગયા. આખરે એણે મને ધીરેથી કહ્યું:

'ઠીક, હવે રસ્તે પડો. મોડું થાય છે.'

ચુપચાપ પ્રણામ કરીને હું માંઝોલીમાં ચડી બેઠો. માંઝોલી લાહોરને માર્ગે પડી.