પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭

ધાર્મિક કસોટી



રસ્તામાં મને વિચાર ઉપડ્યા : જો હું પિતાજીની માન્યતાઓની સાથે સંમત નથી, જો હું એમની સ્વર્ગ-પ્રાપ્તિનું સાધન નથી બની શકતો, જો એમની પાછળ શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિ વહેમી ક્રિયાઓ આચરવા હું તૈયાર નથી, તો મને શો અધિકાર છે કે એમની કમાણીનો હું ભાગીદાર બનું ?

ખરચીના જે રૂપિયા પચાસ મેં ચાલતી વેળા પિતાજી પાસેથી લીધેલા તેનું પડીકું બાંધીને મેં પાદરમાંથી જ એક પિછાનવાળા માણસ જોડે પિતાજીને પાછા મોકલી દીધા. અને સાથે એક ટૂંકો પત્ર લખ્યો કે “આપની માન્યતા વિરૂધ્ધ વર્તનાર પુત્રને આપશ્રીનાં અન્ય સુપાત્ર સંતાનોના વારસામાં જરી પણ ભાગ પડાવવાનો અધિકાર નથી રહ્યો. બાકી તો પ્રભુ આપણ બન્નેને જીવતા રાખશે તો મારી પુત્રભેટ આપના ચરણમાં ધરતો જ રહીશ.”

માંઝોલી અરધો ગાઉ તો માંડ ગઈ હશે ત્યાં તો પાછળ ઘોડેસવાર આવતો દેખાયો. માંઝોલી ઊભી રાખી. આવીને એણે મને રૂપિયાનું પડીકું પાછું સોંપ્યું અને પિતૃદેવનો મોઢાનો સંદેશો સંભળાવ્યો કે 'તું પ્રતિજ્ઞા કરીને ગયો છે કે મારી સાંસારિક આજ્ઞાઓ નહિ ઉથાપે. મારી સાંસારિક આજ્ઞા છે કે આ રૂપિયા લઈ જા અને બીજા રૂપિયા બરાબર નિયમિત મંગાવતો રહેજે.'

જાલંધરમાં પિતાજી પેન્શન લેવા આવ્યા. હું એ વખતે આર્યસમાજના ઉત્સવના સપ્તાહમાં રોકાયો હતો. પિતાજી