પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૭૦


ચુક્યો છે, ને મારી ખાત્રી થઈ છે કે મારી ધાર્મિક આશાઓ પણ તું જ પૂરી કરવાનો.'

'પ્રથમ મને એક કોલ આપો.'

'માગી લે, મારો કોલ છે.'

'જો આપ વસિયતનામું કરશો, તો હું મારો વ્યાજબી હિસ્સો પણ સ્વીકારવાની ના પાડું છું, ને જો વસિયતનામું ફાડી નાખવાની રજા આપશો, તો હું પ્રતિજ્ઞા કરું છું કે જે ધર્મ-કાર્યો મારી પાસે કરાવવાના આપના સંકલ્પ છે, તેને પાર ઉતારવા હું મારૂં જીવન અર્પી દઈશ.'

'આ તામ્રલેખ તથા વસિયતનામું તો હવે તારી જ માલિકીની વસ્તુ છે; તેને તું ચાહે તે કરી શકે છે.'

પિતાજીની આજ્ઞા મળતાં મેં વસિયતનામાના ટુકડા કર્યા. એમના ચરણોમાં શિર નમાવીને હું ચાલ્યો આવ્યો.

ત્યાર પછીના મારા જીવનમાં જે કાંઈ શુભ કાર્યો મારાથી બની શક્યાં છે, તે બધાં પિતૃદેવ પાસેથી તે દિવસ કરેલી પ્રતિજ્ઞાનાં જ ફળો છે. એ ઘટનાના સ્મરણમાત્રથી પણ હું અનેક ઊંડી ખાઈઓમાં ગબડતો બચ્યો છું. કામ ક્રોધ ઇત્યાદિ શત્રુઓના હુમલામાંથી પણ પિતાજીની એ દિવસની કરૂણાભરી દૃષ્ટિનાં સ્મરણોએ જ મને ઉગારી લીધો છે. માતાના મૃત્યુ પછી પિતાજીએ જ મને માતૃપ્રેમથી અપનાવ્યો હતો. જનેતાના હેતનો અભાવ મને એણે જણાવા દીધો નહોતો. અને આજે ય જો મારા અંતરમાં પણ મારાં