પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩

પરીક્ષાની કતલ


ન થઈ શકે એવા પ્રશ્ન-પત્રને હું દોઢ જ કલાકમાં પતાવી દઈ શી રીતે બહાર નીકળી આવતો ! અને છતાં એ લેખન -પરીક્ષામાં હું પાસ કેમ કરીને થયો !

બે પરીક્ષકો

બીજી સ્મૃતિ એક પરીક્ષકની પણ છે, કે જેણે મને બે જ દોકડા માટે નાપાસ કર્યો હતો. મૌખિક પરીક્ષા માટે બધા વિદ્યાર્થીઓને એકત્ર કરી, પછી એક પછી એક વિદ્યાર્થીને પરીક્ષક પાસે બેલાવવામાં આવતા, અને વિઘાર્થી પોતાની મૌખિક પરીક્ષા પૂરી થયે પાસ નાપાસનું પરિણામ ત્યાં ને ત્યાં સાંભળી પાછળની સીડી પરથી જોડાની ચમચમાટી બેાલાવતો નીચે ઉતરી જતો. મારો વારો આવતાં, પરીક્ષકની સાથે (જેનું નામ બાબુ યોગેન્દ્રનાથ વસુ હતું ને જે મોટા દેશભક્ત ગણાતા) પહેલા જ પ્રશ્ન પર ટપાટપી બોલી ગઈ પછી એણે મને કોઈ પણ પ્રશ્ન પર એક મીનીટથી વધુ સમય આપવા ના પાડી. એક પ્રશ્ન તે પાઠ્ય પુસ્તકની બહારનો હતો, અને એની ઉપર તો મોટી હાઇકોર્ટોના પણ પરસ્પર વિરૂદ્ધ મત પડેલા, એના જવાબમાં મેં પંજાબ ચીફ કોર્ટ તથા કલકત્તા હાઈકોર્ટથી મતભેદ બતાવી મદ્રાસ હાઈકોર્ટ સાથે સંમતિ નોંધાવી એ જવાબ બદલ મને મીંડું મળ્યું ને બે જ દોકડા માટે હું નાપાસ પડ્યો. પરીક્ષક સાહેબને મેં પૂછયું કે 'કયા પ્રશ્નમાં મને મીંડું મળ્યું છે ?'