પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭

પરીક્ષાની કતલ


ઓથમીર તો એવા નીકળ્યા કે પાસ થવાથી જ સંતોષ ન પકડતાં પહેલા બીજા આવવા માટે પ૦૦ અને ૨૫૦ દીધા. એટલું જ નહિ પણ જે પાસ થયા હતા તેઓને ઘેરે પહોંચીને પણ સાહેબના દૂતે કોથળીઓ ખાલી કરાવી. મને પણ હું પાસ હોવા છતાં ૧૦૦૦ ચુકવ્યા વગર પ્રમાણપત્ર ન મળવાની ચેતવણી પહોંચી. આ પાપનો ઘડો ફોડવાના આવેશ સાથે હું લાહોર પહોંચ્યો. પણ તે પહેલાં તો લાલા ચુડામણિએ વાઈસ ચેન્સેલરની પાસે જઈ શોર મચાવી દીધો. વાઇસ ચેન્સેલરે એ જ વખતે પરિણામની ફાઈલ તપાસી. યુનીવર્સિટિએ એક ચુડામણિ સિવાય તમામને નાપાસ કર્યા. હું પણ બળવાની અંદરના નિરપરાધી બાળકની માફક એ ગોળીનો શિકાર બન્યો. લાર્પેન્ટ પર આરોપ મૂકાયો. સાક્ષી પૂરાવા શરૂ થયા. કેટલાક રૂશવત દેનારા પહોંચ્યા અને તેઓ સાહેબને ડરાવી પોતાના તેરસો તેરસો રૂપીઆ પાછા પડાવી આવ્યા. બાકીનું દ્રવ્ય સાહેબે મુકદમો લડવામાં અને ઉત્તરાવસ્થા સુખમાં ગુજારવામાં યોજ્યું, એને કંઈક શિક્ષા પણ મળી. પરંતુ એના પાપના ભોગ તો મારા જેવા અનેક વિદ્યાર્થીએાને જ થવું પડ્યું. મારી નિષ્ફળતા તો મને વકીલાત પરથી વાળી લઈ ધાર્મિક આંદોલન તરફ લઈ ગઈ. એટલે એ એક ઈશ્વરી આશીર્વાદ જેવી જ થઈ પડી.