પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૮૪


સ્વહસ્તે જ શિક્ષણ આપવા ઉપરાંત પર્દાની રૂઢી ફગાવી દઈ મારી રઝળપાટોની અંદર મારી સાથે ફરતી હતી, એના ઉપર મૃત્યુદેવના ઓળા ઊતરવા લાગ્યા. કુટુંબને 'અંતરાય' ગણ્યા પછી સાત જ મહિને દેવીને પાંચમી પ્રસૂતિ આવી ને તે સમયે એને બહુ કષ્ટ થયું. બાલક મરી ગયું ને માતા નિર્બલ બની ગઈ. ઝાડા શરૂ થઈ ગયા. બહુ ઈલાજો કર્યા, પણ કોઈનું કાંઈ ન ચાલ્યું, રાતે એની મા જરા દૂર ગઈ, એટલે પુત્રી પાસે ખડીઓ કલમ મગાવીને એણે કાંઈક લખ્યું. લખીને એ કાગળ કલમદાનના ખાનામાં મૂકી દીધો. એક બજે મેં એને ઔષધ પીવરાવ્યું એટલે એણે મને પ્રણામ કર્યા, એના ભાઈએ પૂછ્યું 'કાં બહેન, ભજન સાંભળવું છે ?' એણે હા પાડી, ભાઈએ ભજન ઉપાડ્યું, 'પ્રભુજી ! ભેટ ધરૂં કયા મેં તેરી !' એ સ્તવન ગવાતું ગયું તેની સાથેસાથ દેવી પોતાના હોઠ ફફડાવતી ગઈ. ભજન સમાપ્ત થયું. એની માતાએ રોઈને પૂછયું 'દીકરી, બચ્ચાં કોને ભળાવી ચાલી ?' ઉત્તર મળ્યો કે 'એની મેળે જ મોટાં થઈ જશે.' આખરની ઘડી આવી પહોંચી. બે વાર મને એણે બોલાવ્યો 'બાબુજી ! બાબુજી!' અને છેલ્લી ઘડીએ 'ૐ'નું ઉચ્ચારણ કરી પોતાના પ્રાણ તજી દીધા. એ પુનિત મૃત્યુ પર રોવાકૂટવાની અમે મના કરી, એ મૃતદેહને અમે સ્મશાને લઈ ગયા. અને મારા એ અમુલખ ધનને અગ્નિમાં ભસ્મીભૂત થતું હું ભારે હૃદયે જોઈ રહ્યો.