પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વધારે વિલંબ થાય ખરો, પણ ચાલ, આપણે સાથે જ દોડવા માંડીએ. કોઈ પૂછશે તો કહીશું કે અમારો ઘોડો નાઠો છે. તું "પેલો જાય " "પેલો જાય" એમ બોલજે.'

અમે બજારમાં આવી પહોંચ્યા છીએ એ ધ્યાનમાં રહ્યું નહિ અને ભદ્રંભદ્રે પાઘડીએ હાથ મૂકીને ગબરડી મૂકી; મેં પણ પણ અનુયાયીના ધર્મ પ્રમાણે તેમનું અનુસરણ કર્યું, પણ ઘોડા વિષે બૂમ પાડવાની મારી હિંમત ચાલી નહિ. કેટલાક દુકાનદારો જોવા ઊભા થયા, કેટલાક બૂમ પાડી બોલવા લાગ્યા, કેટલાક "રંગ છે" "શાબાશ" "ઠીક શરત લાગી છે" "જાડીઆએ ખૂબ કરી" એમ પુકારવા લાગ્યા, તેથી તેમની દ્રષ્ટિમાંથી ઝટ નીકળી જવા ભદ્રંભદ્રે ગતિ વધારે ત્વરિત કરી. કેટલાક છોકરા પછાડી પડ્યા અને તાળીઓ પાડવા તથા કાંકરા ફેકવા લાગ્યા, તેથી ભદ્રંભદ્રને ખીજવાઈને ઘડી ઘડી પાછું જોવું પડતું. આમ પાછું જોતાં એક કાદવવાળી અને લપસણી જગા લક્ષમાં ન આવવાથી ભદ્રંભદ્રના પગ દ્રષ્ટિને એ પૂછ્યા વિના અગાડી ધસી ગયા અને માથું એ લપસણી જગા બારીકીથી તપાસવા સારુ નીચે આવ્યું. લૂગડાં બગડ્યાં અને વાગ્યું તેની ઝાઝી ફિકર નહોતી, પણ લોકો આસપાસ હો હો કરતા એકઠા થઈ ગયા અને અસંખ્ય પ્રશ્નો પૂછવા લાગ્યા અને પોતાની મેળે તેના ખુલાસા આપવા લાગ્યા તે ઠીક ન પડ્યું. ભદ્રંભદ્રને મેં ઊભા કર્યા એટલે તેમણે પ્રશ્ન કર્યો કે 'ઘોડો કેણી ગમ ગયો?'

ટોળામાંથી એક આદમીએ કહ્યું, ઘોડાની શરત ક્યાં હતી? એક પાડો અને એક બેલ દોડતા હતા તેમાં પાડો ગુલાંટ ખાઈ ગયો.'

ઈજાથી પિડાતા છતાં ભદ્રંભદ્ર ક્રોધના આવિષ્કારને શમાવી શક્યા નહિ. બીજા વચમાં ન પડ્યા હોત તો ભદ્રંભદ્રના ગાગર જેવા ગોળ શરીર પર ગોબા પાડવાનો નિષ્ફળ પ્રયત્ન થાત. હવાડામાં લૂગડાં ધોવાના અને હોરાને ત્યાંથી ચોપડવાનું ઓસડ લેવાની સૂચના કરનારા માણસો બીજા જોવા આવનારા વધારે અરુચિકર થઈ પડ્યા. તેમનાથી ભદ્રંભદ્ર અકળાયા હતા અને પોલીસના સિપાઈએ આવી ટોળાને વિખેરવા માંડ્યું તેથી ભાષણ કરવાનો પ્રસંગ જવા દઈ ત્યાંથી ચાલ્યા જવું જ યોગ્ય ધાર્યું.

ભદ્રંભદ્ર કહે, 'લોકોની ઈચ્છા આપણું દર્શન કરવાની છે; પણ હોલવાઈ જતી આગ પેઠે આપણી ઈચ્છા તેમનું કૌતુક ભંગ કરવાની છે. તેથી કૃષ્ણના કેટલાક ભક્તો જેમ સંસારબંધનમાંથી અનીતિમાર્ગે મુક્ત થઈ જાય છે. તેમ આપણે સીધો માર્ગ મૂકી બજારમાંથી આડે માર્ગે અદૃશ્ય થઈ જવું જોઈએ. આડે માર્ગે જતાં ચકરાવો ખાવો પડશે તેથી અંધારું થશે તેની ચિંતા નથી. સૂર્યને પણ પૂર્વથી પશ્ચિમ ભણી જતાં પૃથ્વી પર થઈને જવાને બદલે ઊંચે ચકરાવો ખાવો પડે છે તેથી વાર લાગવાથી અંધારું થઈ જાય છે.

સંયોગીરાજનું ઘર અમે એક જ વાર જોયું હતું તેથી અંધારે શોધવું પડ્યું. ભદ્રંભદ્ર કહે, 'ઘર જડતું નથી માટે મારી સ્મરણશક્તિ ઓછી ગણી શકાતી નથી. બ્રહ્મ માયામાં ગોથાં ખાય છે માટે કંઈ અજ્ઞાનથી દૂર રહેવાની શક્તિ ઓછી ગણી શકાતી નથી. તેમ તે હાથે કરીને અજ્ઞાનમાં જાય છે એમ કહી શકાતું નથી, કેમકે અજ્ઞાન તેને પ્રિય નથી. મારું અલિપ્ત સ્વરૂપ અખંડિત રહે માટે તું આ ગૃહમાં પ્રથમ પ્રવેશ