પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર. એ સંયોગીરાજનું ઘર છે એમાં સંશય નથી પણ કદાપિ તે ન હોય તો અજ્ઞાનનો આરોપ અને હસ્તલગુડાદિના સ્પર્શથી હું લિપ્ત થાઉં એ યોગ્ય ન કહેવાય. તારે એવો વાંધો નથી. સ્મરણ કર કે પરમાર્થમાં લિપ્ત-અલિપ્તમાં ભેદ નથી.'

ઘરની બહારની આકૃતિ અમે પ્રથમ જોયું હતું તે ઘર જેવી જ હતી. દાદર પણ ઓટલા ઉપર હતો. બારીઓની સંખ્યા અને છજાની સ્થિતિમાં ફેર દેખાતો હતો. પણ બહુ ધ્યાનથી જોયું નહિ હોય તેથી ભ્રાંતિ થતી હશે એમ લાગ્યું. લિપ્ત-અલિપ્તનો ભેદ ભદ્રંભદ્રે બતાવ્યા છતાં પ્રવેશ કરતાં મને સંકોચ થતો હતો. પણ ભદ્રંભદ્રે મને ધક્કો મારી અગાડી કર્યો. તેથી હું દાદર પર ચડ્યો. હું ઉપર ગયો તે પછી ભદ્રંભદ્ર સંશય દૂર કરવા આવ્યા. આગલા ઓરડામાં કોઈ હતું નહિ. પણ 'આ સંયોગીરાજનું જ ઘર છે' એમ પોતે ન માનતા છતાં અમે એકબીજાને કહેવા લાગ્યા.

મેં કહ્યું કે, 'સંશય હોય તો ઊતરી જઈએ.'

ભદ્રંભદ્ર કહે કે, 'મને સંશય લેશમાત્ર નથી અને હવે કોઈ ઊતરતા જુએ તો ઊલટો તેમને સંશય થાય કે આ કોણ હશે, કદાચ ભૂલ હશે અને ઘરવાળો મળશે તો સમજાવી શકાશે. પણ પરભાર્યા ઊતરી જઈએ તે ઠીક નહિ.'

મેં બારીએ જઈ કહ્યું કે, ' આ સામે ઘર છે. પણ સંયોગીરાજના ઘરની સામે તો છૂટી જમીન હતી એવી મારી ખાતરી છે. ઓટલા પર કોઈ ઊભું છે. તેથી હવે જતા કેમ રહીશું?'

ભદ્રંભદ્ર કહે,' તું ધીમે બોલ. કોઈ સાંભળે એમાં હાનિ છે. આપણા પવિત્ર શબ્દ અપવિત્ર કર્ણે જવા ન જોઈએ. આ કોઈ સુધારાવાળાનું કપટ છે. નહિ તો આર્યો આમ ફસાય કેમ? પણ બીશ નહિ.'

એટલામાં એક સ્ત્રીને કહેતી સાંભળી કે, 'કોઈ જુઓને, ઉપર કોણ ફરે છે.'

બહારના દાદર પર કોઈને ચઢતું સાંભળી અમે પગના આંગળાને ટેરવે ચાલતા પાસેના ઓરડામાં પેસી ગયા. અંદરની રચના જોઈ ખાતરી થઈ કે સંયોગીરાજનું ઘર નથી. પણ હવે ઉપાય નહોતો.

અનુચિત નયનોથી અદૃશ્ય થવા અમે બે કોઠીઓને ઓથે જઈને બેસી ગયા. ગુનો કરવાનો ઈરાદો કર્યા વગર કોઈ ગુનેગાર બનતું નથી એ વકીલોની તકરાર મને જૂઠી જણાવા લાગી, કેમ કે ચોરી કરવાનો ઇરાદો કર્યા વિના અમે અહીં ચોર થઈને બેઠા હતા એ અમારા જાતના આ અનુભવની વાત મનમાંથી ખસે તેમ નહોતી. ઉપર જોવા આવેલો આદમી આગલા ઓરડામાં ફરીને 'અહીં તો કોઈ નથી.' એમ કહી ઊતરી ગયો. અથી અમે નિશ્ચિંત થતા હતા તેટલામાં બીજા ઓરડામાંથી કોઈ દીવો લઈને આવતું જણાયું અને અંધકારનો સહચારી કહેવાતો ભય અમને તો દીવા સાથે આવતો જણાયો. ભદ્રંભદ્રે મને ચૂંટી ખણી મારી દૃષ્ટિ પોતા તરફ ખેંચી મને સંકોચાવાનો પ્રયત્ન કર્યો. દીવો લઈ આવનાર કોઠી પાછળ ભરાયેલા સૂર્ય-ચંદ્ર જોયા વિના એકદમ આગલા ઓરડામાં ચાલ્યો ગયો. ત્યાં જતાં તેનો દીવો હવાથી હોલવાઈ ગયો અને તેથી તે