પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહોટા પુરુષને સ્પર્શ કરીને ખાતરી કરવી કે તે ધ્રૂજે છે કે નહિ તે પણ યોગ્ય નહોતું. તેથી તેમની વૃત્તિ જાણવા મેં હળવે સાદે પૂછ્યું, 'અહીંથી છાપરા પર જવાય એવું નથી?'

મહોટેથી ઉચ્ચાર કર્યા વિના બોલતાં પણ અવયવો વશ ન હોય તેમ ભદ્રંભદ્રના દાંત કકડ્યા અને ઓઠ ફફડ્યા તે સાંભળી મને સંતોષ થયો કે હું એકલો જ બીતો નહોતો. ભદ્રંભદ્ર કહે, 'નાસી જવાની આશા તો હવે મિથ્યા છે.' થોડી વાર પછી તે ફરી બોલ્યા, 'વાયુની કૃપાથી આ છાપરું તૂટી પડે તો તો ગરબડાટમાં અદૃશ્ય થઈ જઈએ.' એટલું કહી અટકી થોડી વાર પછી તે બોલ્યા, 'અથવા અત્યારે કોઈને આ તરફ આવવાનું ન સૂઝે તો સવારે નીચે ઊતરીને ક્ષમા માગી ચાલ્યા જવાય.' ભદ્રંભદ્ર વાગોળવાને અટકતા હશે કે વિચાર કરવાને એ વિશે હું મનમાં નિશ્ચય કરી કહું તે પહેલાં તો તેમણે કહ્યું, 'પણ સાંભળ તો ખરો, હેઠળ શું થાય છે.'

નીચે લોકોને અમારા જેટલો જ ભય લાગેલો હતો કે અમને ભયના કારણ વિષે ખાતરી હતી અને તેમને ખાતરી નહોતી. એક જણ કહે, 'પણ ચોર છે એમ શા પરથી ધારો છો? ખડખડાટ થયો તે તો બિલાડીએ કંઈ પાડ્યું હોય.'

શેઠ બોલ્યા, 'હું પણ એમ જ ધારું છું. પણ આ બધાને બીવાનું મન થાય છે માટે 'ચોર' 'ચોર' કરે છે.'

ચાકર કહે, 'ખરું છે. ચોર તો મધરાત પહેલાં નીકળે નહિ. એ તો બિલાડી જ હશે.'

એક સ્ત્રી બોલી, ' તેં ઘણી ચોરીઓ કરી છે તેથી તું ચોરીનો વખત જાણતો હોઈશ. બિલાડી હોય તો જા ને હાંકી આવ ને. ચોર હશે તોયે તારા ભાઈબંધ હશે તે તને નહિ મારે.'

ચાકરે ઉત્તર દીધો, 'ભાઈબંધ હશે તેના. અમને કોઈએ જુગારી ભેગા ફરતા દીઠા નથી. પણ શેઠાણી, બધાના દેખતાં અમને ચોર ઠેરવો છો તે શેઠને જ પૂછો કોને વસમું પડશે.'

શેઠ બોલ્યા, 'બઈરાંને આવી તકરાર શી કરવી? ભગા, તારુંયે હરામખોર પેટ ફાટ્યું જણાય છે તો - અરે! કેમ પોલીસ આવે છે કે?'

એક આદમી બોલ્યો, 'પોલીસવાળા તો કહે છે કે ચોર હોય તો તમે શોધી કહાડીને પકડો એટલે અમે આવીને કબજે કરીશું.'

મને જરા હસવું આવ્યું, પણ ભદ્રંભદ્રે મને રોક્યો અને કહ્યું, 'તારું હસવું સંભળાશે તો માર્યા જઈશું અને બિલાડીના પાછા માણસ બનીશું. સુધરાવાળા કહે છે કે બિલાડીઓ હસતી નથી, તે ભ્રાંતિ મનુષ્ય અને પશુનો વેદાંતવિચારથી અભેદ દર્શાવી હું દૂર કરી શકું. તે પહેલાં તો હાસ્ય પરથી મનુષ્ય હોવાનું ખોટું અનુમાન એ લોકો કરી બેસશે.'

નીચે પોલીસને મદદ ન આવી પહોંચવાથી શેઠને અનેક સૂચનાઓ લોકો કરવા