પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાગ્યા. એક જણ કહે, 'ચોર તો ક્યારનાયે નાસી ગયા હશે. છાનામાના ઘરમાં જઈને બેસો ને.'

બીજો કહે. ' ચારે તરાફ્ લોકો ભરાય છે તે ચોર નાસે ક્યાંથી? અત્યારે બધાં બારણાં બહારથી બંધ કરો અને જાપતો મૂકીને સૂઈ રહો. સવારે વગર બીકે ફડચો થઈ જશે.'

આ સૂચના અમને પણ ગમી; પરંતુ સુખ પછી દુઃખ લખ્યું જ હોય છે. વળી એક બીજો સલાહકર બોલ્યો, 'આટલા બધા છો તે ડંડા લઈને ઘરમાં પેસોને અને મારફાડ કરતા ખૂણેખાંચરે ફરી વળો ને! હાડકાં ઢીલાં થશે એટલે ચોર નાસવાનુંયે નહિ કરે.'

જાણે માર ખાવાની તૈયારી કરતાં હોય તેમ મારાં ગાત્ર ટાઢાં થઈને સંકોચાઈ ગયાં. ભદ્રંભદ્રથી મહોટેથી બોલાઈ ગયું કે, 'શંકર ત્રાહિ ત્રાહિ.'

દાદરને મથાળે ઊભેલો એક આદમી બોલી ઊઠ્યો, 'કાતરીયામાં કોઈ બોલ્યું. બધા ઉપર આવો, ઘેરી લઈશું પછી ક્યાં જશે?'

અમારે કમનસીબે આ આદમીમાં હિંમત આવી અને તે કાતરીઆના મ્હોં પાસે આવ્યો. મૃત્યુ પછાડી સંવત્સરી શ્રદ્ધાદિ ક્રિયાઓ આવે તેમ તેની પછાડી બીજા લોકો ધસી આવ્યા. કાતરીઆના મ્હોં આગળ જમાવ થયો. મંદિરના દ્વાર અગાડી પ્રવેશ ન કરવાની સ્પર્ધા ચાલે તેમ આ અમારી પૂજા થવાના મંદિરમાં પ્રવેશ ન કરવાની સ્પર્ધા ચાલી. કાતરીઆમાં કોઈને મોકલવાની સર્વની ઈચ્છા હતી. પણ જાતે જવાનું કોઈથી બને તેમ નહોતું. ઉપર ચઢી આવવામાં એટલી બધી બીક, સાહસ અને હરકત જણાઈ કે કોઈએ કાતરીઆમાં છૂટા પથ્થર ફેંકવાની સૂચના કરી. કોઈએ દાતરડાવાળી લાંબી વાંસી કાતરીઆમાં ફેરવવાની સૂચના કરી. કોઈએ છાણાનો જબરો ધુમાડો કાતરીઆમાં દાખલ કરવાની સૂચના કરી. એ સર્વ યુક્તિઓના ફલાફલની શેઠ તુલના કરવા લાગ્યા; તે સાંભલી મેં ભદ્રંભદ્રના કાનમાં કહ્યું, 'શેઠનો ઘાંટો પરિચિત લાગે છે, પણ કોણ છે યાદ આવતું નથી.'

ભદ્રંભદ્ર કહે, 'જેમ ગંગાસ્નાનમાં પોતાની શુદ્ધતા કામ લાગતી નથી તેમ અંધારામાં પોતાના ઓળખીતા કામ લાગતા નથી. સહુથી સારી યુક્તિ તો એ છે કે નીચે ખાટલો મૂકે તો આપણે કૂદી પડીએ.'

એક જણે સૂચના કરી કે, આગ હોલવવાનો બંબો લાવીને સૂંઢથી કાતરીઆમાં બધે પાણીનો મારો ચલાવોને કે જે હશે તે તરત બહાર આવશે.'

ભદ્રંભદ્રે મને કહ્યું, ' હવે સંતાઈ રહેવામાં આર્યત્વ નથી. ચાલ ચાલ મારી સાથે.' કાતરીઆના મ્હોં પાસે અમે આવ્યા એટલે ભદ્રંભદ્ર મોહોટેથી બોલ્યા, 'ગૃહસ્થો અમે ચોર નથી. અમે આર્ય છીએ. કેટલીક ભૂલ અને અકસ્માતને લીધે અમે આ દશામાં આવી પડ્યા છીએ તેનો વિસ્તાર પછીથી કરીશું. હાલ તો અમે ક્ષેમકુશળ આવીને તમને મળીએ એવી યોજના થવી જોઈએ. માટે તમને એટલું જ કહું છું કે અમારા જેવા મહાપુરુષોને આ પ્રમાણે ઘેરી લઈ અને ડરાવી તમે કેવા અપરાધી થાઓ છો એનું તમને ભાન પણ જણાતું નથી. જે અમારી વેદધર્મનિષ્ઠા ભૂકંપ સમયે પણ ચલિત થઈ