પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી, જે અમારું જાત્યભિમાન બ્રાહ્મણોને ભીખ માગતા જોઈને પણ સ્ખલિત થયું નથી, જે અમારી શુદ્ધતા મલિન દુર્ગંધી સ્થાનોમાં ભોજન કરતાં પણ દુષિત થઈ નથી, તેને શું મ્લેચ્છોએ રચેલા બંબામાં ભરેલા પાણી વડે તમે ભ્રષ્ટ કરશો? તમારે શું સુધારાવાળાને ફાવવા દેવા છે અને વેદ ધર્મ સનાતન નથી એમ સિદ્ધ થવા દેવું છે કે પાશ્ચાત્ય બંબાનો ઉપયોગ કરવા ધારો છો? વેદમાં ક્યાં બંબા વિશે લખ્યું છે? બંબાની ઉપયોગિતાનો હવે સ્વીકાર કરીએ તો વેદમાં સર્વજ્ઞતા નથી એમ અંગીકાર કર્યું ન કહેવાય? આપણા ત્રિકાળજ્ઞાની ઋષિમુનિઓને બંબા વિષે જ્ઞાન નહોતું એમ કહેતાં કયા સ્વદેશાભિમાની આર્યને નીચું જોવું નહિ પડે? માટે બંબો પાશ્ચાત્ય મોહનું પરિણામ છે, નિરર્થક ભ્રાંતિ છે, એમ કહેવું એ જ આર્યને ઉચિત છે. ભલે ઘર બળી જાઓ કે નગર બળી જાઓ, બંબો તો વાપરવો જ ન જોઈએ. ધર્મનું આચરણનો પ્રાણનો અંત થતાં પણ કરવાનું છે. ત્યારે એવા ધર્મહિન વ્યાપાર કરાવનાર બંબાનો ઉપયોગ આર્ય પર કરવાનો સંકલ્પ જ શાપપાત્ર છે. એ જ રીતે બતાવે શકાય કે અમારા પર ડંડા, પથારા, વાંસી ઇત્યાદિનો વ્યવહાર કરવાનો વિચાર કરવો એ પણ અધાર્મિક વૃત્તિ છે.'

અમે અનુકૂળતાથી એકદમ પ્રકાશમાં આવ્યા. લાડુનો અને જીભનો સમાગમ થતાં જેમ જીભ લાડુને ઓળખે છે અને લાડુ જીભને ઓળખે છે તેમ ઘરધણીએ અમને ઓળખ્યા અને અમે ઘરધણીને ઓળખ્યા. જેનું હજી લગી અમે 'શેઠ'ના નામે સભય ધ્યાન કરતા હતા તે શંભુ પુરાણીના ભાણેજ વલ્લભરામ છે એ જાણતાં અમને જે હર્ષ થયો તેનું કારણ મિત્રનો સમાગમ હશે કે તાડના ભયનો નાશ હશે તે નિર્ણય કરવાનો સમય નહોતો, ભરાયેલા લોકો અમારું કમનસીબ, અમારી મૂર્ખાઈ, અમારા બીકણપણા વિશે એટલી બધી ટીકા કરતા હતા કે સર્વને વિસર્જન કરવા ભદ્રંભદ્રે ઊભા થઈ ભાષણ કર્યું અને અમારી કીર્તિને હાનિ ન પહોંચે તથા અમારી લઘુતા ન જણાય એવી રીતે બધી બીનાનો હેવાલ આપ્યો અને સર્વની જિજ્ઞાસા તૃપ્ત કરી. અમારી મુખાકૃતિનું ઘડી ઘડી નિરીક્ષણ કરતા અને આટલેથી રમખાણ પતી ગયું તે માટે નિરાશા દર્શાવતા સર્વ ચાલ્યા ગયા. પ્રથમ મારવા આવેલું અને પછી ચર્ચા તથા મશ્કરી કરવામાં ગૂંથાયેલું મંડળ વીખરાઈ ગયું ત્યારે જે સંતોષ થયો તેથી યોગીઓને અકંત કેમ પ્રિય લાગે છે તે સમજાયું.

વલ્લભરામ કહે, 'સંકટમાં રહ્યા રહ્યા પણ આપે જે આર્ય ભાવનાઓ, સુધારાનો તિરસ્કાર અને સિદ્ધાંત સ્થાપિત કરવાની યુક્તિ દર્શાવી તેથી હું આનંદ પામ્યો. મારે પણ એક વખત એક સુધારાવાળા જોડે પાણીના બંબા વિષે તકરાર થઈ હતી. રસ્તામાં પીવાના પાણીનો બંબો હતો તે જોઈ તે કહે, " જુઓ તમારા બ્રાહ્મણોએ વેદના મંત્રો ગોખાવ્યા પણ લોકોને મનમાન્યું પાની આપવા બંબા ન કર્યા." મેં કહ્યું, " વેદ અનાદિ છે અને બંબો સાદિ છે." એટલે તે માત ખાઈ ગયો. "સાદિ અનાદિનો ફેર સિદ્ધ કરો; વેદ અનાદિ હોય તોપણ તેના મંત્રના ઉચ્ચારથી શો લાભ છે?" એવા એવા અપ્રસ્તુત